Gujarat

સચિનના રહેણાંક મકાનમાંથી 15.930 કિલો ગાંજો જપ્ત

સુરત શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે કાર્યરત ક્રાઈમ બ્રાંચની ટીમે એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે કરવામાં આવેલા દરોડામાં 15.930 કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા મુદ્દામાલની બજાર કિંમત લાખોમાં આંકવામાં આવી છે.

પોલીસને મકાનમાંથી પ્લાસ્ટિકના થેલામાં ભરેલો 15.930 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો સુરત શહેર ક્રાઈમ બ્રાંચને ચોક્કસ માહિતી મળી હતી કે સચિન કનકપુર-કનસાડ વિસ્તારમાં માદક પદાર્થનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ગઇકાલ તા. 03/04/2026ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની ટીમે વ્યૂહાત્મક રીતે રેઇડનું આયોજન કર્યું હતું.

પોલીસે સચિન કનકપુર-કનસાડ સ્થિત શ્રીરામ નગર સોસાયટીના પ્લોટ નં. 3045-3046ના બીજા માળે આવેલા મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને મકાનમાંથી પ્લાસ્ટિકના થેલામાં ભરેલો 15.930 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ જથ્થાની કિંમત રૂ. 7,96,500 જેટલી થાય છે. પોલીસે સ્થળ પરથી ઓડિશાના વતની સુરેન્દ્ર ઉર્ફે ગોલ્ડન બાબુલા પ્રધાનની અટકાયત કરી હતી.

શ્રીમંત બનવાની લાલચમાં તેણે મજૂરી કામ છોડી નશીલા પદાર્થોના વેચાણનો રસ્તો પકડ્યો પકડાયેલ આરોપી સુરેન્દ્ર ઉર્ફે ગોલ્ડન મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના કોદળા તાલુકાના બડા ગુડલાઇ મરદામેખા ગામનો વતની છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે માત્ર ધોરણ-10 સુધી ભણેલો છે.

આરોપીના ગુનાહિત માનસ અને આ વ્યવસાયમાં આવવા પાછળના કારણો તપાસતા જાણવા મળ્યું કે સુરેન્દ્રને જુગાર રમવાની ભારે લત હતી. જુગારમાં મોટી રકમ હારી ગયા બાદ તે આર્થિક સંકડામણમાં આવી ગયો હતો. દેવું ચૂકવવા અને ટૂંકા સમયમાં શ્રીમંત બનવાની લાલચમાં તેણે મજૂરી કામ છોડી નશીલા પદાર્થોના વેચાણનો રસ્તો પકડ્યો હતો. તે રેલવે મારફતે ઓડિશાથી નશીલા પદાર્થોનો જથ્થો મંગાવતો હતો.