Gujarat

સુરતમાં વર્ષ 2025 માં 15,009 મહિલાઓને મદદ મળી

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા 108 ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત ‘181 અભયમ’ મહિલા હેલ્પલાઇન સુરતની મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વર્ષ 2025 ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના આંકડાઓ મુજબ, સુરત જિલ્લામાં કુલ 15,009 મહિલાઓએ મુશ્કેલીના સમયે અભયમની મદદ માંગી હતી. જેમાંથી 2,735 અતિ સંવેદનશીલ કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી કરી હતી.

સુરત જિલ્લાના ડેટાનું વિશ્લેષણ કરતા જાણવા મળે છે કે, સૌથી વધુ 7,262 કોલ ઘરેલુ હિંસાના કિસ્સામાં આવ્યા હતા. આ ઉપરાંત, શારીરિક અને માનસિક સતામણીના 2,125 કેસ, લગ્નજીવનના વિખવાદના 1,146 કેસ અને બિનજરૂરી કોલ-મેસેજથી હેરાનગતિના 382 કિસ્સાઓમાં મહિલાઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.

અભયમની ટીમ દ્વારા કુલ 1,838 કિસ્સાઓમાં સ્થળ પર જ અસરકારક કાઉન્સેલિંગ કરી સુલેહ-શાંતિથી સમાધાન કરાવવામાં આવ્યું હતું, જ્યારે 734 ગંભીર કિસ્સાઓમાં મહિલાઓને વધુ મદદ માટે પોલીસ, આશ્રય ગૃહ કે અન્ય સરકારી એજન્સીઓમાં રિફર કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યની વાત કરીએ તો, વર્ષ 2025 માં ગુજરાતભરમાંથી કુલ 183,520 કોલ મળ્યા હતા, જેમાંથી 37,780 કિસ્સાઓમાં ફિલ્ડ પર જઈને મદદ કરવામાં આવી હતી. સુરત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સંકલનથી અભયમ ટીમે છેડતી, સામાજિક વિખવાદ અને કાયદાકીય માર્ગદર્શન ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી છે. આજે યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ માટે ‘181’ એક ભરોસાપાત્ર સાથી તરીકે ઉભરી આવી છે, જે મહિલા સશક્તિકરણ અને સુરક્ષાના સંકલ્પને ચરિતાર્થ કરી રહી છે.