Gujarat

1961ના સરકારી રેકર્ડમાં છેડછાડ કરનાર 2.5 વર્ષે ઝડપાયો

સુરત શહેર ક્રાઈમ બ્રાંચે એક એવા રીઢા ગુનેગારને દમણ ખાતેથી દબોચી લીધો છે, જેણે જમીનો પચાવી પાડવા માટે સરકારી કચેરીના અસલી દસ્તાવેજોમાં છેડછાડ કરી હતી. લેન્ડ ગ્રેબિંગ અને ચેક રિટર્ન જેવા ગંભીર ગુનાઓમાં સજા પામ્યા બાદ છેલ્લા 2.5 વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા સંજય ઉર્ફે એસ.કે. જવાહર શાહને પકડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપી દમણના આલીશાન દેવકા બીચ વિસ્તારમાંથી પોલીસના હાથે ઝડપાયો છે.

સબ રજિસ્ટ્રાર કચેરીના પટાવાળા સાથે મળી મોટું કૌભાંડ આચર્યું હતું આ સમગ્ર કૌભાંડની વિગતો તપાસતા જાણવા મળ્યું છે કે, આરોપી સંજય ઉર્ફે એસ.કે. એ સુરતની અઠવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં પટાવાળા તરીકે નોકરી કરતા પ્રકાશ રાઠોડ સાથે સાંઠગાંઠ કરી હતી. તેણે વર્ષ 1961 અને 1967ના અસલી દસ્તાવેજના વોલ્યુમ અને રજિસ્ટરો કચેરીની બહાર કઢાવ્યા હતા. આ કિંમતી સરકારી દસ્તાવેજોમાં મનઘડત ફેરફારો કરી તેને ફરીથી કચેરીના રેકર્ડમાં ગોઠવી દીધા હતા. આ પ્રક્રિયામાં તેણે કાયદાકીય પ્રક્રિયાનો ભંગ કરી સરકારી દસ્તાવેજોને નુકસાન પહોંચાડી ગંભીર ગુનો આચર્યો હતો.

બોગસ દસ્તાવેજોના આધારે બજારમાં કરોડોના જમીન સોદા કર્યા સરકારી રેકર્ડમાં છેડછાડ કર્યા બાદ આરોપીએ એ જ બોગસ દસ્તાવેજોની સર્ટિફાઈડ નકલો કચેરીમાંથી મેળવી હતી. આ નકલો અસલી હોવાનું જણાવી બજારમાં અલગ-અલગ પાર્ટીઓ સાથે કરોડોની જમીનોના સોદા કરી મોટી રકમ પડાવી હતી.

વર્ષ 2022માં આ સમગ્ર કૌભાંડ બહાર આવતા અઠવાલાઈન્સ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેની તપાસ બાદમાં ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી. આરોપીએ આ રીતે અનેક નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરી હતી અને સરકારી મિલકતો તેમજ ખાનગી જમીનો પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો.