ચાલુ વિધાનસભા સત્રમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા એક મહત્વનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ગુજરાત સરકારની 5 વર્ષ ફિક્સ પગાર નીતિને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરાઈ છે, ત્યારે સરકાર પોતાની પક્ષે રાખેલા વકીલોને કેટલી ફી આપી રહી છે.
વકીલોને પ્રતિ મુદતના 2 લાખ ફી ચૂકવાઈ જેના જવાબમાં જાણવા મળ્યું હતું કે, એપ્રિલ, 2012થી ગુજરાત સરકારની ફિક્સ પે નીતિને પડકારતી અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. જેમાં સરકાર પક્ષે અત્યાર સુધી કુલ 9 જેટલા વકીલો રોકવામાં આવ્યા છે. જેમાં એડવોકેટ મહેશ અગ્રવાલને 2 લાખ રૂપિયા જેટલી ફી, હરીશ સાલ્વેની ફી નિયત કરવામાં આવી નથી, મુકુલ રોહતગીને કોન્ફરન્સ અને અપીયરન્સ પેટે 2 લાખ રૂપિયા ફી, કે વિશ્વનાથનની ફિ નિયત કરવામાં નથી આવી, તુષાર મહેતાને દિવસના 2 લાખ રૂપિયા ફી ચુકવવામાં આવી હતી.
કે.કે વેણુગોપાલને કોન્ફરન્સ અને અપીયરન્સના 5 લાખ તેમજ તેના ક્લાર્કને 50 હજાર રૂપિયા ફી ચૂકવવામાં આવતી હતી. નીરજ કિશન કૌલની ફી નિયત કરવામાં આવી નહોતી, જ્યારે મનીષા શાહને દિવસના 2 લાખ રૂપિયા ફી ચુકવવામાં આવી હતી. ઉપરોક્ત વકીલો પૈકી મહેશ અગ્રવાલને ત્રણ લાખ રૂપિયા ફી ચૂકવવાની બાકી છે અને મનીષા શાહને 1.75 લાખ રૂપિયા ફી ચુકવવાની બાકી છે. જ્યારે તમામ વકીલોને ફી ચૂકવાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ગ-3ની જગ્યા ઉપર સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પસંદગી પામતા ઉમેદવારોને પહેલા 5 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવે છે. જે 19,600 થી લઈને 40,600 હજાર જેટલો હોય છે. ફિક્સ પેના લાખો કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ સરકાર તે વિરોધની અવગણીને વકીલોને દિવસની લાખો રૂપિયા ફી આપીને સુપ્રીમમાં કેસ લડી રહી છે. ઉપરોક્ત વકીલો પૈકી તુષાર મહેતા વર્તમાન સોલિસિટર જનરલ છે, કમલ ત્રીવેદી એડવોકેટ જનરલ છે, જ્યારે મનીષા શાહ એડિશનલ એડવોકેટ જનરલ છે.

