India Bans 242 Illegal Bªting Websites : ભારત સરકારે ઓનલાઈન સટ્ટાબાજી અને બેટિંગ વેબસાઈટ સામે કાર્યવાહી કરીને ૨૪૨ ગેરકાયદે વેબસાઈટ લિંકને બ્લોક કરી છે. સરકારી સૂત્રો મુજબ, ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ગેરકાયદે સટ્ટાબાજીના ફેલાવાને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
સરકારનું કહેવું છે કે, અત્યાર સુધીમાં ૭,૮૦૦ થી વધુ ગેરકાયદે સટ્ટાબાજી અને બેટિંગ વેબસાઇટ્સ બંધ કરવામાં આવી છે. ઓનલાઈન ગેમિંગ એક્ટ લાગુ થયા પછી આ પ્લેટફોર્મ્સ સામે કાર્યવાહીની ગતિ નોંધપાત્ર રીતે ઝડપી બની છે.
ઘણી ગેરકાયદે વેબસાઇટ્સ યુવાનોને સરળતાથી કમાણીની લાલચ આપીને બેટિંગ અને સટ્ટાબાજીમાં ફસાવી રહી હતી. આનાથી માત્ર નાણાકીય નુકસાન જ નહીં પરંતુ સામાજિક સમસ્યાઓ પણ વધી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકારે કડક દેખરેખ અને તાત્કાલિક કાર્યવાહી અપનાવી છે.
આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય વપરાશકર્તાઓ, ખાસ કરીને યુવાનોને ઓનલાઈન છેતરપિંડી, નાણાકીય નુકસાન અને વ્યસન જેવી સમસ્યાઓથી બચાવવાનો છે. ગેરકાયદે પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે ટેકનોલોજી અને કાયદા બંનેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સરકારે સંકેત આપ્યો છે કે, આગામી સમયમાં પણ આ પ્રકારના પ્લેટફોર્મ્સ સામે કાર્યવાહી કરાશે. ઓનલાઈન સટ્ટાબાજી અને બેટિંગથી જાેડાયેલી કોઈપણ ગેરકાયદે કન્ટેન્ટને પણ ચલાવી લેવામાં નહીં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

