Gujarat

કાલુપુરની 30 ટ્રેનો સાબરમતી ડાઈવર્ટ કરાઈ પણ સુવિધા શૂન્ય

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃ નિર્માણનું કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે, જે પૂરુ થતા હજુ બીજા બે વર્ષ લાગવાના છે. જેથી કાલુપુરથી ઉપડતી અને આવતી લગભગ 30 ટ્રેનોને સાબરમતી રેલવે સ્ટેશન પર ડાઈવર્ટ કરાઈ છે, પરંતુ સાબરમતી રેલવે સ્ટેશન પર કોઈ જાતની સુવિધા નહીં હોવાને કારણે મુસાફરો ત્રાહીમામ પોકારી રહ્યા છે.

સૌથી વધુ મુશ્કેલી પ્લેટફોર્મ પર પહોંચવામાં થઈ રહી છે. કેમકે અહીં મુસાફરોને ત્યાં જવા માટે માત્ર એક જ એન્ટ્રી છે. જેને કારણે ટ્રેન પકડવા માટે મુસાફરો ભારે દોડધામ કરી રહ્યા છે અને જોરદાર ભીડ થઈ રહી છે. આ સંદર્ભમં રેલવે મંત્રી, રેલવેના જનરલ મેનેજર તેમજ DRMને લેખિતમાં ફરિયાદ અપાઈ છે તેમજ મુસાફરોને પડતી તમામ પ્રકારની મુશ્કેલીઓને દૂર કરવાની માગણી કરાઈ છે.

પ્લેટફોર્મ નં 1 પર અડધી જગ્યા બ્લોક, અડધુ બંધ, અડધુ ચાલુ ફરિયાદમાં જણાવાયું છે કે, કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણનું કામ ચાલુ હોવાથી આબુરોડ તરફ જતી તમામ ટ્રેનોને સાબરમતીથી ચલાવવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ અહીં પણ નવીનીકરણનું કામ ચાલુ હતું. જો કે, કુલ સાત પૈકીના પ્લેટફોર્મ નં 2 અને 3નું કામ લગભગ પૂર્ણ થઈ ગયુ છે આમ છત્તા તેનો ઉપયોગ કરાતો નથી. ઉપરાંત પ્લેટફોર્મ નં 1 ઉપર પણ અડધી જગ્યા બ્લોક કરાઈ છે અને અડધુ પ્લેટફોર્મ જ ચાલુ છે. જ્યારે પ્લેટફોર્મ નં 4, 5, 6 અને 7 ઉપર નવીનીકરણનુ કામ પણ હવે પૂરુ થવામાં છે.

પ્લેટફોર્મ નં 6-7 ઉપર નાસ્તા માટેનો એક પણ સ્ટોલ નથી સાબરમતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં 6-7 ઉપર હાલમાં નાસ્તા માટેનો એકપણ સ્ટોલ નથી. મુસાફરોને પીવાનું પાણી ખરીદવુ હોય તો આમતેમ જોવુ પડે છે પણ ક્યાંય કશુ દેખાતુ નથી. રેલવેના ટોચના અધિકારીઓ બધુ જાણતા હોવા છતાં શા માટે અહીં સ્ટોલની મંજૂરી નથી આપતા તે પ્રશ્ન પણ ખુબ મોટો છે. જો કે, પ્લેટફોર્મ નં 1ના પ્રવેશદ્વાર ઉપર એક સ્ટોલ છે એ પણ મોટાભાગે બંધ હાલતમાં હોય છે અથવા તો નાસ્તો કે પાણી પણ હોતું નથી.