Gujarat

જામનગરમાં પેટ્રોલ-ડિઝલની 8,65,000 લી. ની જરૂરિયાત સામે 37,36,000 લી. જથ્થો ઉપલબ્ધ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુધ્ધના પગલે જામનગરમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ અંગેની અછતની અફવાના કારણે પેટ્રોલ પંપો ખાતે વાહનોની લાંબી કતારો લાગી હતી, અને ગેસ એજન્સીઓ ખાતે રાંધણ ગેસના બુકીંગ માટે સવારથી લાઈનો લાગી ગઈ હતી. છેલ્લા બે દિવસથી અફવાઓના કારણે લોકોમાં ફેલાયેલી અફડા-તફડીના કારણે કલેકટર તંત્ર મેદાનમાં આવ્યું છે અને લોકોને જોઈએ તેટલો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં દૈનિક પેટ્રોલ 2,29,000 લિટર અને ડીઝલ = 6,36,000 લિટરની જરૂરિયાત છે. તેની સામે પેટ્રોલ 12,91,000 લિટર અને ડીઝલનો 24,45,000 લિટરનો જથ્થો ઉપલબ્ધ છે.

જામનગર શહેર-જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ અને ગેસની અછતની અફવાના પગલે લોકોના ટોળાએ મંગળવારે મોડીરાત્રિના પેટ્રોલપંપ પર કતારો લગાવી દીધી હતી. જેથી લોકોની લાંબી કતારોના કારણે કલાકો સુધી ઉભા રહીને પેટ્રોલ તેમજ ડીઝલથી વાહનોની ટાંકીઓ ફુલ કરાવી હતી. બુધવારે સવારના પણ અમુક પેટ્રોલ પંપ ખાતે વાહનોની કતારો જોવા મળતી હતી. તો બીજી બાજુ ગેસ એજન્સીઓ પર સવારથી લોકોએ લાઈનો લગાવી હતી. અમૂક પેટ્રોલપંપ સંચાલકોએ તો ટુ વ્હીલરમાં રુા.200 અને ફોર વ્હીલમાં 1000 રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ આપવાનું શરૂ કરી રાશનીંગ કરતા વધુ અફવા ફેલાઈ હતી.