Gujarat

જામનગરમાં મકરાણી સમાજના પ્રમુખ ઉપર 4 શખસે કર્યો હુમલો

જામનગર શહેરમાં ભાડાની માંગણી બાબતનો ખાર રાીને મકરાણી સમાજના પ્રમુખ ઉપર ચાર શખસોએ હુમલો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. બનાવની જાણ થતાં સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.

શહેરના ખોજાનાકા બહાર, સિલ્વર સોસાયટીમાં રહેતા અને મકરાણી સમાજના પ્રમુખ જાનમામદભાઈ મહમદભાઈ બ્લોચ (ઉ.વ.56) નામના ગત તા.27ના રોજ આરોપી સેજાદ સલીમભાઈ બ્લોચ પાસેથી ભાડાના મકાનની બાકી નીકળતા રૂપિયા લેવા માટે ગયા હતા. જે બાબતે બોલાચાલી થઈ હતી.

જે બાબતનો ખાર રાખીને ગત તા.29ના રોજ શહેરના કિશાનચોક મકરાણી કબ્રસ્તાન પાસે સાફસાઈ કરાવા માટે ગયા હતા. ત્યારે આરોપી સેજાદ સલીમભાઈ બ્લોચ અને સાહીલ સલીમભાઈ બ્લોચ તેમજ બે અજાણ્યા શખસો લોખંડના પાઈપ સાથે ધસી આવ્યા હતા અને અપશબ્દો બોલીને જાનમામદભાઈ બ્લોચ સાથે બોલાચાલી કરવા લાગીને લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

જાનમામદભાઈને શરીરે ઈજા પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતાં રહ્યા હતા. આ સમયે સમાજના લોકો તેમજ પરિવારજનો આવી પહોંચ્યા હતા અને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમયે સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં જાનમામદભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.