સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. ભૂસ્તર વિભાગની ટીમે સાયલા તાલુકાના ચોરવીરા સીમ વિસ્તારમાં દરોડો પાડી 43 ગેરકાયદેસર કોલસાના કૂવા શોધી કાઢ્યા છે. આ કાર્યવાહીમાં કરોડો રૂપિયાની ખનીજચોરીનો પર્દાફાશ થયો છે. ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સૂચનાથી 20 જાન્યુઆરી, 2025ના રોજ આ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તમામ 43 કૂવામાંથી કાર્બોસેલ ખનીજનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું જણાયું હતું.

ટીમે ચરખી મશીનમાં વપરાતી મશીનરી, પાઈપો, સુંઢ, કેસિંગ, બકેટ તેમજ આશરે 100 મેટ્રિક ટન કાર્બોશેલ ખનીજનો જથ્થો સીઝ કર્યો છે. તમામ 43 કૂવા અને તેની આસપાસ પડેલા ખનીજના જથ્થાની માપણી કરવામાં આવી છે. માપણીના આધારે નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ દરોડો ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય ગેરકાયદેસર ખનીજ માફિયાઓ સામે ખનીજ ચોરી અટકાવવાના પ્રયાસરૂપે પાડવામાં આવ્યો હતો.

