Gujarat

બાળકીની છેડતી કરનાર આરોપીને ૫ વર્ષની સખત કેદ

કલોલના ચોથા એડિશનલ સેસન્સ જજ બી.આર. રાજપુતની કોર્ટે સમાજમાં દાખલો બેસે તેમાટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. વડસર ગ્રામ પંચાયત પાસે ૮ વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં અને છેડતી કરનાર આરોપી હસમુખજી ધનાજી ઠાકોરને અદાલતે તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપીને રૂ. ૫૦,૦૦૦નો દંડ અને ભોગ બનનાર બાળકીને રૂ. ૨,૦૦,૦૦૦ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.

ન્યાય કરવામાં નિષ્ફળતા મળે તો સામાજિક વ્યવસ્થા ખોરવાઈ શકે

ચુકાદાની શરૂઆતમાં ન્યાયાધીશ દ્વારા ધર્મ એવ હતો હન્તિ ધર્મ રક્ષતિ રક્ષિત: શ્લોક ટાંકવામાં આવ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે, જાે ન્યાય ધર્મનો નાશ થાય તો તે આપણો પણ નાશ કરે છે, પરંતુ જાે ન્યાયનું રક્ષણ કરવામાં આવે તો તે આપણું રક્ષણ કરે છે. આવા ગંભીર ગુનાઓમાં જાે ન્યાય કરવામાં નિષ્ફળતા મળે તો સામાજિક વ્યવસ્થા ખોરવાઈ શકે છે.

૮ વર્ષની બાળકીને શેરડીનો રસ પીવડાવવાના બહાને છેડતી કરી

આ કેસની વિગત મુજબ, ૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ વડસર ગ્રામ પંચાયત પાસે રમતી ૮ વર્ષની બાળકીને આરોપી શેરડીનો રસ પીવડાવવાની લાલચ આપી બાથરૂમ પાસે લઈ ગયો હતો અને તેની છેડતી કરી હતી. બાળકીએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને આરોપી નાસી છૂટ્યો હતો.

કોર્ટે આરોપીને ૫ વર્ષની કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો

આ મામલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં સરકારી વકીલ જીગ્નેશ એચ. જાેશીએ ધારદાર દલીલો કરી હતી. જેમાં પંચાયતની ઓફિસ બહારના સીસીટીવી ફૂટેજ સાબિત થયા હતા. પેનડ્રાઈવમાં રજૂ કરાયેલા આ ફૂટેજના આધારે સાહેદોએ કોર્ટમાં આરોપીને ઓળખી બતાવ્યો હતો. જે દલીલો અને પુરાવાઓને ગ્રાહ રાખી કોર્ટ આરોપી હસમુખજી ધનાજી ઠાકોર પાંચ વર્ષની કેદ અને ૫૦ હજારનો દંડ ભોગવવા ઉપરાંત પીડિતાને બે લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.