અમદાવાદ સ્થિત એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા – EDII ખાતે બૌદ્ધિક સંપત્તિ જાગૃતિ માટે IP યાત્રાકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાના પરંપરાગત હસ્તકલા અને સ્થાપત્ય કલાના કારીગરો માટે આશાનું નવું કિરણ લઈને આવ્યો છે.
ભારત સરકારના પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સના કન્ટ્રોલર જનરલ – CGPDTM ડૉ. ઉન્નત પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષિત કરવા મહત્વના નિર્ણયો લેવાયા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ ડૉ. ઉન્નત પંડિતે જણાવ્યું હતું કે, ભારત પાસે સદીઓ જૂનું પરંપરાગત જ્ઞાન અને વારસો છે.
સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં વંશપરંપરાગત ચાલી આવતી કળાઓ ભારતની સાચી સંપત્તિ છે. GI ટેગ માત્ર એક પ્રમાણપત્ર નથી, પરંતુ તે ઉત્પાદકો અને કારીગરોના આર્થિક કલ્યાણનું સબળ માધ્યમ છે. EDIIના ડિરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લાએ પણ આ સમગ્ર પ્રક્રિયામાં સંસ્થાના સંપૂર્ણ ટેકનીકલ અને માર્ગદર્શક સહયોગની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં પરંપરાગત હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા. સુરેન્દ્રનગરની પ્રસિદ્ધ ટાંગલિયા શાલના સંરક્ષણ માટે પણ આ કાર્યક્રમ ઐતિહાસિક સાબિત થયો હતો. ડૉ. પંડિત દ્વારા ટાંગલિયા શાલના વ્યવસાય સાથે જોડાયેલા 57 કુશળ કારીગરોને ‘GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવ્યા હતા.

