અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર ભોળાદ નજીક વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક લક્ઝરી બસ, ટ્રક અને પીકઅપ વાહન વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત રાત્રિના લગભગ બે વાગ્યાના અરસામાં ઓવરટેક કરવાના પ્રયાસ દરમિયાન થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે થોડા સમય માટે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતાં જ બગોદરા અને ફેદરાની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રોડ ઓથોરિટીને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. સવારના સમયે રોડ પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

