Gujarat

60 દિવસનો નો-વેન્ડિંગ ઝોન, પહેલા જ દિવસે રોડ પર 50થી વધુ લારીનો અડિંગો

મહેસાણાના મોઢેરા રોડ પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા તંત્રએ 60 દિવસ માટે નો-વેન્ડિંગ ઝોન જાહેર કર્યો છે, પરંતુ જાહેરનામાની અમલવારીના પ્રથમ તબક્કામાં જ રોડ પરની સ્થિતિ યથાવત્ જોવા મળી હતી. શુક્રવારે સાંજે મોઢેરા ચોકડીથી ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ તથા પૂજન કોમ્પ્લેક્સથી મોઢેરા ચોકડી તરફના માર્ગ પર અંદાજે 50 લારીઓ અને 30 જેટલા વાહનો રોડ પર ખડકાયેલા જોવા મળ્યા હતા.

રોડની બંને બાજુ લારીઓ અને વાહનો ઊભાં રહેતાં આશરે 7 મીટર પહોળા રસ્તામાં બંને બાજુ દોઢ-દોઢ મીટર જેટલો ભાગ રોકાઈ ગયો હતો. પરિણામે વાહનચાલકો માટે માત્ર આશરે 5.5 મીટર રસ્તો ખુલ્લો રહ્યો હતો. શાકભાજી-ફળની ખરીદી માટે વાહનો ઊભાં રહેતાં ટ્રાફિકની સમસ્યા વધુ વકરતી જોવા મળી હતી.

મોઢેરા ચોકડીથી ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ તરફના આશરે 300 મીટરના રસ્તા પર 11 ફળ-શાકભાજીની લારીઓ ઉપરાંત પાણીપુરી અને દાબેલીની લારીઓ પણ જોવા મળી હતી. જ્યારે પૂજન કોમ્પ્લેક્સથી મોઢેરા ચોકડી તરફના 300 મીટરના માર્ગ પર 32 ફળ-શાકભાજીની લારીઓ અને 8 જેટલા વાહનો પાર્ક થયેલા જોવા મળ્યા હતા.