Gujarat

600 લીટર આથો અને 120 લીટર દેશી દારૂ જપ્ત, દારૂની ભઠ્ઠી ચલાવનાર આરોપી ફરાર

ભાવનગર શહેરના આધેવાડા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગત રાત્રીના દેશી દારૂની ગેરકાયદેસર ચાલતી ભઠ્ઠી પર રેડ કરી હતી. બાતમી આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસને મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રેડથી વિસ્તારમાં દારૂના ધંધામાં સંકળાયેલા તત્વોમાં હડકંપ મચી ગયો હતો.

ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ 31 ડિસેમ્બરને લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગ દરમિયાન, ભાવનગર શહેરના અધેવાડાના ખળાવાળા વિસ્તારની પાછળ ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરવામાં આવી હતી. તેમાં અંદાજે 600 લીટર દેશી દારૂનો આથો તેમજ 120 લીટર તૈયાર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં ઝડપાયેલા રૂપિયા 24 હજારનો દેશી દારૂ અને રૂપિયા 15 હજારના આથો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 40,160નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભઠ્ઠી ચલાવનાર આરોપી જગદીશ પરમાર સ્થળ પરથી ફરાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર આરોપી જગદીશ પરમાર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટના અંગે ભરતનગર પોલિસે જગદીશ પરમાર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.