દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાગા પક્ષી અભયારણ્ય ખાતે વાર્ષિક પક્ષી ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જેમાં મરીન નેશનલ પાર્કની ભાટિયા રેન્જ હેઠળના આ અભયારણ્યમાં આ વર્ષે કુલ 202 પ્રજાતિના 65,047 પક્ષીઓ નોંધાયા હોવાનું વન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.જે ગત વર્ષની સાપેક્ષમાં વૈવિધ્યમાં વધારો દર્શાવે છે.
રાજયના વન વિભાગના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પર્યાવરણપ્રેમી સંસ્થાઓ, પક્ષી નિરીક્ષકો તથા સ્વયંસેવકોના સહયોગથી ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ વિવિધ વિસ્તારોમાં જુદી જુદી ટીમો દ્વારા ગણતરી કરીને પૂર્ણ કરવામાં આવી છે.
જેના મુખ્ય આકર્ષણમાં દુર્લભ પ્રજાતિઓની હાજરી ગણતરી દરમિયાન ખાસ પ્રજાતિઓ નોંધાઈ છે. જેમાં મલાર્ડ પરદેશી સ્થળાંતરી બતક પ્રજાતિ, જે શિયાળામાં ભારતમાં જોવા મળે છે. પેરેગ્રીન ફાલ્કન વિશ્વનો સૌથી ઝડપી પક્ષી, જેની હાજરી પર્યાવરણની સત્વરતા દર્શાવે છે. બ્લેક નેકડ સ્ટોર્ક અતિ દુર્લભ અને સંરક્ષિત પ્રજાતિ, જે ભેજવાળા વિસ્તારમાં વસવાટ કરે છે.
આમ, દુલર્ભ પક્ષીઓએ મહેમાનગતિ માણી હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે,છેલ્લા કેટલાક સમયથી જળ સ્ત્રોતોનું સંવર્ધન અને શિકાર જેવી પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ રાખવામાં આવ્યું છે. સાથે સ્થાનિક લોકોમાં જાગૃતિ વધતા પક્ષીઓ માટે આ વિસ્તાર સુરક્ષિત આશ્રયસ્થાન સાબિત થયો છે.
પર્યાવરણવિદો માને છે કે 200થી વધુ પ્રજાતિઓની હાજરી એ સાબિત કરે છે કે ગાગા અભયારણ્ય માત્ર ગુજરાત જ નહીં પણ દેશના મહત્વના વેટલેન્ડ્સમાં સ્થાન પામી રહ્યું છે.આગામી સમયમાં આ ડેટાના આધારે પક્ષીઓના સંરક્ષણ માટે વધુ સચોટ આયોજન કરવામાં આવશે. હાલ 65 હજાર પક્ષીઓના આગમનથી ગાગા અભયારણ્ય પક્ષીપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન બની ગયું છે.

