Gujarat

જામનગર હેડક્વાર્ટરમાં તૈયારીઓ પૂર્ણ, પ્રથમ દિવસે 700 ઉમેદવારો કસોટી આપશે

જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ચેલા-13 SRP ગ્રુપના સેનાપતિ કોમલ વ્યાસ સહિતના અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થશે અને આશરે દોઢ મહિના સુધી ચાલશે. જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે કુલ 42,000થી વધુ ઉમેદવારો ભાગ લેશે. પ્રથમ દિવસે 700 ઉમેદવારો કસોટી આપશે. ત્યારબાદ 1200 ઉમેદવારો અને રજાના દિવસો બાદ દરરોજ 1600 ઉમેદવારો શારીરિક પરીક્ષા આપશે.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક સાથે 200 ઉમેદવારો રનિંગ ટ્રેક પર દોડશે. આશરે 385 મીટરનો રનિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. 5000 મીટરની દોડ માટે ઉમેદવારોએ 13 રાઉન્ડ 25 મિનિટમાં પૂર્ણ કરવાના રહેશે. ઉમેદવારોની સુવિધા માટે તંત્ર દ્વારા કેન્ટીન અને ટોયલેટ બોક્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

સુરક્ષા વ્યવસ્થા માટે ગ્રાઉન્ડ પર 250 જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે. ચેલા-13 SRP ગ્રુપના સેનાપતિ કોમલ વ્યાસ પણ સતત હાજર રહેશે. મેડિકલ સુવિધા માટે 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે, તેમજ જી.જી. હોસ્પિટલના ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ પણ ગ્રાઉન્ડ પર ઉપલબ્ધ રહેશે.

ગ્રાઉન્ડમાં ફક્ત શારીરિક કસોટી આપનાર ઉમેદવારોને જ પ્રવેશ મળશે. કોઈપણ પ્રકારની ડિજિટલ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ભરતી પ્રક્રિયા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પારદર્શી રીતે હાથ ધરવામાં આવશે. અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. ઉમેદવારોની સુરક્ષા અને સુવિધા માટે એસ.ટી. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે.