જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આજે 21મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં કૃષિ, બાગાયત અને એગ્રી-બિઝનેસ જેવી વિવિધ વિદ્યાશાખાના 74 વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 74 ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપી સન્માનિત કરાયા હતા તો અન્ય 578 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધશે ત્યારે જ કૃષિ ઉત્પાદનમાં સાચો વધારો શક્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અધ્યક્ષ સ્થાનેથી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે હવે પ્રાકૃતિક કૃષિ અપનાવવી આવશ્યક બની ગઈ છે. રાસાયણિક ખેતીને કારણે લોકોના સ્વાસ્થ્યની સાથે પ્રકૃતિ, પાણી અને પર્યાવરણ પર અત્યંત વિપરીત અસરો થઈ છે. જમીનની ફળદ્રુપતામાં થયેલા ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે, ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધશે ત્યારે જ કૃષિ ઉત્પાદનમાં સાચો વધારો શક્ય બનશે.
વધુ પડતા જંતુનાશકોના ઉપયોગથી જમીન બિનઉપજાવ બની રહી છે હરિત ક્રાંતિના સમયનો ઉલ્લેખ કરતા રાજ્યપાલે કહ્યું હતું કે અગાઉ જમીનમાં ઓર્ગેનિક કાર્બન 2.5 ટકા હતો, જે રાસાયણિક ખેતીના અંધાધૂંધ વપરાશથી ઘટીને હવે 0.5 ટકાની નીચે પહોંચી ગયો છે. વધુ પડતા જંતુનાશકોના ઉપયોગથી જમીન બિનઉપજાવ બની રહી છે અને આવા ખોરાકથી કેન્સર, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન અને કિડનીની બીમારીઓ ઝડપથી વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ રાસાયણિક ખેતીથી ઉત્પાદનમાં પણ 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.

