Gujarat

ગત વર્ષ કરતાં અકસ્માતમાં ૭૪ ટકાનો વધારો:

જાન્યુઆરીમાં માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન જ શહેરમાં ૭૫ અકસ્માત

ગાંધીનગર જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધતું જાય છે. વસ્તી, વિસ્તાર અને વાહનોની સંખ્યામાં ઉત્તરોતર વધારો, વધુ સારા સુવિધાજનક માર્ગો અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલનના અભાવે અકસ્માતો વધી રહ્યા છે.

શહેરમાં માર્ગ સલામતી માટે વિવિધ તંત્ર આરટીઓ, પોલીસ અને રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા સમગ્ર જાન્યુઆરી માસને રોડ સેફ્ટી મંથ તરીકે ઉજવવામાં આવ્યો હતો.પરંતુ આ કાર્યક્રમો સ્કૂલ- કોલેજના બાળકો માટે યોજાતી સ્પર્ધા પુરતો જ મર્યાદિત રહ્યો હોય તેમ જાન્યુઆરી-૨૦૨૬માં જ ૭૫ અકસ્માતો સર્જાયા હતા. જે ગયા વર્ષના જાન્યુઆરી માસની સરખામણીએ ૭૪ ટકા જેટલા વધારે છે.

ગત જાન્યુઆરી માસમાં ૫૬ અકસ્માતો થયા હતા.આંકડા સૂચવે છે કે તંત્ર દ્વારા કરાયેલી રોડ સેફ્ટી મંથની ઉજવણીનો કોઇ અર્થ રહ્યો નથી. ૨૦૨૬ના જાન્યુઆરી માસમાં કુલ ૭૫ પૈકી ૨૬ ફેટલ અકસ્માતો હતા અને ૨૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૩૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો.વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના એક વર્ષમાં કુલ ૭૧૫ રોડ અકસ્માત નોંધાયા હતા,આ અકસ્માતોમાં ૨૫૩ લોકોનાં મોત થયા હતા, ૩૮૧ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ૨૪૦ લોકોને નાની ઇજા પહોંચી હતી.વર્ષ ૨૦૨૫ માં ૨૪૪ જીવલેણ (ફેટલ) અકસ્માત નોંધાયા હતા.

૨૭૫ ગંભીર ઇજાવાળા, ૧૨૪ નાની ઇજાવાળા અને ૭૨ બિનઇજાગ્રસ્ત અકસ્માત નોંધાયા હતા. ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ ૭૦ અકસ્માત નોંધાયા હતા, જેમાં ૩૦ લોકોનાં મોત થયા હતા અને ૪૩ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે.ઓક્ટોબરમાં પણ ૬૯ અકસ્માત નોંધાયા હતા, જે વર્ષના સૌથી વધુ અકસ્માત ધરાવતા મહિનાઓમાંનો એક છે,જાન્યુઆરીમાં ૫૬ અકસ્માત થયા હતા, જ્યારે ફેબ્રુઆરીમાં ૫૮ અને માર્ચમાં ૫૪ અકસ્માત નોંધાયા હતા. એપ્રિલ અને મે મહિનામાં પણ અકસ્માતોની સંખ્યા ઊંચી રહી હતી. વર્ષ ૨૦૧૯થી ૨૦૨૩ સુધીના આંકડાઓના આધારે જિલ્લામાં કેટલાક માર્ગો ‘બ્લેકસ્પોટ’ તરીકે ઓળખાયા છે જ્યાં વારંવાર અકસ્માત નોંધાઈ રહ્યા છે.

ખાસ કરીને અડાલજ નજીક વૈષ્ણોદેવી સર્કલ, ચીલોડા – નરોડા રોડ,નરોડા-દેહગામ રોડ, ગાંધીનગર-અમદાવાદ રોડ કુડાસણ પાટીયા,ગાંધીનગર – અમદાવાદ રોડ કોબા સર્કલ, ઝુંડાલ-અડાલજ રોડ, ગાંધીનગર-અમદાવાદ રોડ, કલોલ-મહેસાણા રોડ અને માણસા વિસ્તારના કેટલાક માર્ગો અકસ્માત માટે સંવેદનશીલ ગણાઈ રહ્યા છે. જિલ્લામાં વર્ષ ૨૦૨૫ દરમિયાન થયેલા કુલ અકસ્માતના ૩૪ ટકા અકસ્માત ફેટલ એટલે કે જીવલેણ હતા. કુલ ૬૬૦ લોકોએ અકસ્માતનો સામનો કર્યો હતો જેના ૩૮ ટકા એટલે કે ૨૫૩ લોકો મૃત્યુ પામ્યા હતા. વર્ષ દરમિયાન બનેલા ૭૧૫ અકસ્માત પૈકી માત્ર ૭૨ અકસ્માત જ એવા હતા કે જેમાં વાહન ચલાવનાર કે સવાર કોઇને ઇજા થવા પામી ન હતી.