Gujarat

વિજાપુરની ઓઈલ મિલના વેચાણ સોદામાં ડૉક્ટર સાથે ૮.૩૮ કરોડની છેતરપિંડી

વિજાપુરના જાણીતા બાળરોગ નિષ્ણાત અને શિવમ કેસ્ટર પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર ડૉ. ભરતકુમાર પટેલ સાથે કંપની વેચાણના સોદામાં રૂ ૮.૩૮ કરોડની છેતરપિંડી થઈ હોવાની વિગતો સામે આવી છે. આ મામલે ડૉક્ટરે મધ્યસ્થીઓ અને ખરીદદારો સહિત સાત વ્યક્તિઓ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. ડૉ. ભરતકુમાર પટેલ પોતાની લાડોલ સ્થિત રૂ ૨૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી ઓઈલ મિલ કંપની વેચવા માંગતા હતા.

આ દરમિયાન તેમની વર્ષોની ઓળખાણ ધરાવતા વિજાપુર અને કડીના બે મોટા વેપારીઓએ મધ્યસ્થી બની અમદાવાદના શૈલેષ પટેલ અને સચિન સંઘવી સાથે રૂ ૬.૨૩ કરોડમાં કંપનીનો સોદો કરાવ્યો હતો. વિશ્વાસના આધારે નવેમ્બર ૨૦૨૪માં કંપનીનો વહીવટ અને કબજાે આ શખ્સોને સોંપવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ કંપનીનો કબજાે મેળવ્યા બાદ સંચાલકોએ કાવતરું રચીને કડીની ‘ત્રિનિટી ગણેશ પ્રા. લિ.‘નામની કંપની સાથે મળીને માલની કોઈ પણ પ્રકારની હેરફેર વગર માત્ર કાગળ પર ખોટા બિલ અને ઈ-વે બિલ બનાવ્યા હતાં. આશરે ૫૦૨ ટન દિવેલ અને ૨૩૦ ટન એરંડાનો માલ કંપનીમાં આવ્યો હોવાનું દર્શાવી. ડૉક્ટર પાસે બેંકિંગ ટ્રાન્ઝેક્શન કરાવી રૂ ૮.૩૮ કરોડની માતબર રકમ ઓળવી ગયા હતાં. તપાસમાં બહાર આવ્યું છે કે આ માલ માટે કોઈ ગેટપાસ કે વજનકાંટામાં એન્ટ્રી કરવામાં આવી નહોતી. ડૉક્ટરે વધુમાં આક્ષેપ કર્યો છે કે, વહીવટ દરમિયાન તેમની પાસેથી સહી કરાવેલા પાંચ જેટલા કોરા ચેકો પણ તહોમતદારોએ પચાવી પાડ્યા છે.

તે પૈકીનો એક ચેક બેંકમાં જમા કરાવીને ડૉક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત રૂ૪૧.૯૦ લાખની ય્જી્ ચોરી કરી સરકારને પણ ચૂનો લગાડવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ કૌભાંડમાં દિનેશકુમાર જયંતિભાઈ પટેલ (વિજાપુર), કૌશિકકુમાર જયંતિભાઈ પટેલ (કડી), શૈલેષકુમાર ગોરધનભાઈ પટેલ (અમદાવાદ), સચિનકુમાર સંઘવી (અમદાવાદ), પાર્થ પટેલ, મિનેષ પટેલ (કડી) અને દર્શન પટેલ (વિસનગર) સામે ગુનો નોંધવા માટે પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવી છે. હાલમાં આ મામલે પોલીસે ડૉક્ટર દ્વારા રજૂ કરાયેલા ઇન્વોઇસ,ઈ-વે બિલ અને બેંક સ્ટેટમેન્ટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.