PM નરેન્દ્ર મોદીની પરિકલ્પનાથી સ્થાપિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (IITE)નું નવું અદ્યતન ભવન ગાંધીનગરમાં ₹127 કરોડના ખર્ચે નિર્માણ પામશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને ઉચ્ચ તથા તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા તથા રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું.
600થી વધુ વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્ટેલનું નિર્માણ નવા કેમ્પસમાં એકેડેમિક બિલ્ડિંગ, આધુનિક સાયન્સ લેબ, સેમિનાર હોલ, સ્ટેટ-ઓફ-ધ-આર્ટ લાયબ્રેરી, મ્યુઝિયમ અને રમતગમત માટે વિશાળ પ્લે ગ્રાઉન્ડ સહિતની સુવિધાઓ ઊભી કરાશે. સાથે જ 600થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે.
‘રાષ્ટ્ર નિર્માતા શિક્ષકો તૈયાર કરવાની નવી શરૂઆત’ શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આ માત્ર ભવન નિર્માણની શરૂઆત નથી, પરંતુ ભારતના ભવિષ્યના ઘડતરમાં યોગદાન આપનારા ‘રાષ્ટ્ર નિર્માતા’ શિક્ષકો તૈયાર કરવાની નવી શરૂઆત છે. તેમણે કહ્યું કે IITE જેવી સંસ્થાઓ ભારતને વૈશ્વિક કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકો પૂરા પાડવામાં અગત્યની ભૂમિકા ભજવશે.
IITEને હવે મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી તરીકે વિકસશે તેમણે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2010માં સ્થાપિત IITEને હવે મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી તરીકે વિકસાવવામાં આવી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ના અમલીકરણને ધ્યાનમાં રાખીને સંસ્થામાં વિવિધ જ્ઞાનશાખાઓના સંકલન માટે સાત નવી યુનિવર્સિટી સ્કૂલ્સની રચના કરવામાં આવી છે.
‘IITE માત્ર અક્ષરજ્ઞાન આપતી સંસ્થા નથી’ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે IITE માત્ર અક્ષરજ્ઞાન આપતી સંસ્થા નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રે નવું ચિંતન, સંશોધન અને નવીનતા લાવી આધુનિક ગુજરાત અને આધુનિક ભારતના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવી રહી છે.

