સુરત શહેરના દક્ષિણ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સુરત મહાનગરપાલિકાએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરત-નવસારી રોડ પર ઉધનાના ખરવરનગર બ્રિજ ઉતરતાની સાથે જ હવે વધુ એક નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ઉધના ત્રણ રસ્તા જંકશનથી સર્વોત્તમ હોટલ જંકશન સુધી બનનારા આ બ્રિજ પાછળ અંદાજે 72.48 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
ત્રણ વર્ષ બાદ આયોજનને લીલી ઝંડી મળી નોંધનીય છે કે આ પ્રોજેક્ટ માટે વર્ષ 2022-23થી આયોજન ચાલી રહ્યું હતું. જોકે, શરૂઆતમાં BRTS રૂટ અને અન્ય ટેકનિકલ કારણોસર ફિઝિબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો, જેને કારણે કામ અટકી પડ્યું હતું. સમય જતાં પ્રોજેક્ટના ખર્ચમાં પણ વધારો થયો છે, જે પહેલાં ઓછો અંદાજવામાં આવ્યો હતો તે હવે વધીને 72 કરોડને પાર પહોંચ્યો છે. તાજેતરમાં બ્રિજ સેલ દ્વારા કરાયેલા નવા સર્વેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા અને રાજ્ય સરકાર તરફથી ખાસ ગ્રાન્ટની મંજૂરી મળતા હવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
બે મુખ્ય જંકશનો પર ટ્રાફિકથી રાહત મળશે ખરવરનગર બ્રિજ ઉતર્યા બાદ વાહનચાલકોને ઉધના ત્રણ રસ્તા અને સર્વોત્તમ હોટલ પાસે ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો. આ 1 કિલોમીટરના અંતરમાં બે મોટા જંકશન હોવાથી પીક અવર્સમાં વાહનોની લાંબી કતારો લાગતી હતી.
નવો બ્રિજ બનવાથી ઉધના ત્રણ રસ્તા જંકશન અને સર્વોત્તમ હોટલ જંકશન પર હવે ઊભા રહેવું નહીં પડે.ખરવરનગર બ્રિજ ઉતરીને વાહનો સીધા જ આ નવા ફ્લાયઓવર પર ચઢી શકશે અને ડિંડોલી તરફ જનારા વાહનચાલકોની સુવિધા માટે ખાસ એપ્રોચ રોડ પણ બનાવવામાં આવશે, જેથી તે વિસ્તારની કનેક્ટિવિટી વધુ સરળ બનશે.

