Gujarat

ગોંડલમાં કેસર કેરીનું 10 કિલોનું બોક્સ ₹5,500માં વેચાયું

ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં સીઝનની પ્રથમ ‘કેસર કેરી’નું આગમન થયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની આવક 8 દિવસ વહેલી જોવા મળી છે. સીઝનના પ્રથમ દિવસે જ અંદાજે 200 બોક્સની આવક થઈ હતી, જેમાં ભાવ આસમાને પહોંચતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.

પ્રથમ દિવસે ગીરગઢડાના જસાધાર, મોતીસર અને કંટાળાના ખેડૂતો કેસર કેરી લાવ્યા હતા. જેમાં 10 કિલોના બોક્સના મહત્તમ ₹5,500 અને લઘુત્તમ ₹2,500 બોલાયા હતા.

હરાજીના ભાવમાં મોટો ઉછાળો વહેલી સવારે ગોંડલ બસ સ્ટેન્ડ સામે આવેલા જૂના માર્કેટિંગ યાર્ડમાં ગીર પંથકની કેરીની હરાજી યોજાઈ હતી. હરાજી દરમિયાન કેરીના ભાવ સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયા હતા:

ગીર ગઢડાના જસાધાર, કંટાળા અને મોતીસર ગામના ખેડૂતો ગણેશ ફ્રુટ નામની પેઢીમાં પોતાની જણસ લઈને આવ્યા હતા. રાદડિયા ફ્રૂટના વેપારી દિવ્યેશ રાદડિયાએ હરાજીમાં સૌથી ઉંચી બોલી લગાવી આ કેરીની ખરીદી કરી હતી. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.