શુક્રવારે ઓસ્ટ્રેલિયન ઓપન U-14 ટાઇટલ જીતીને જૂનાગઢની દીકરીએ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફીક એલિટ અંડર 14 વુમન્સ ટાઇટલ જીતનાર પહેલી ભારતીય પ્લેયર બની છે. 14 વર્ષની આ ખેલાડીએ ફાઈનલમાં ખૂબ જ દૃઢ નિશ્ચય દર્શાવ્યો અને ઓસ્ટ્રેલિયાની જ મુસેમ્મા સિલેકને 3-6, 6-4, 6-1થી હરાવીને ખિતાબ જીત્યો.
શરૂઆતનો સેટ હાર્યા પછી જેન્સીએ લય શોધી અગાઉ, શરૂઆતનો સેટ ગુમાવ્યા પછી અને બીજા સેટમાં 0-2થી પાછળ રહી ગયા પછી, જેન્સી શાંત રહી અને હાર ન માની. તેણે ધીમે ધીમે પોતાની લય શોધી, વધુ આત્મવિશ્વાસ સાથે રમી અને પ્રભાવશાળી કમબેક કરીને જીત મેળવવા માટે મેચને સંપૂર્ણપણે ફેરવી દીધી. જેન્સી કાનાબારે 2026 ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા-પેસિફિક એલીટ 14 અને અંડર ટ્રોફીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, મેલબોર્ન પાર્ક ખાતે રાઉન્ડ-રોબિન સ્ટેજ પર પ્રભુત્વ મેળવ્યું. તેણે તેની બધી મેચ સીધા સેટમાં જીતીને ગ્રુપ-Aમાં 3-0ના સંપૂર્ણ રેકોર્ડ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું.
નોકઆઉટ રાઉન્ડમાં જેન્સીનો કોન્ફિડન્સ વધતો ગયો. જાપાનની આઓઈ યોશિદા વિરુદ્ધ સેમીફાઈનલમાં જેન્સીએ ટુર્નામેન્ટનું પોતાનું સૌથી શાંત પ્રદર્શન કર્યું. પહેલા સેટનો ટાઈબ્રેકર 7-6(3) થી જીત્યો અને પછી મેચ 6-2 થી જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી. ત્યારબાદ તેણે સિલેક વિરુદ્ધ શાનદાર વાપસી કરીને ઐતિહાસિક ખિતાબ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું.

