Gujarat

ખાખીનું સપનું અધૂરું રહેતાં ​જૂનાગઢની 21 વર્ષીય યુવતીનો આપઘાત

આ ઘટનાની મળતી વિગતો મુજબ, 21 વર્ષીય પૂનમ લાંબા સમયથી પોલીસ દળમાં જોડાવા માટે મહેનત કરી રહી હતી. ગત વર્ષની ભરતીમાં તેનું ગ્રાઉન્ડ રાજકોટ આવ્યુ હતું અને તે તેમાં પાસ પણ થઈ ગઈ હતી. બાદમાં લેખિત પરીક્ષામાં તે નાપાસ થતાં નિરાશ ન થઈ ફરી મહેનત શરૂ કરી હતી. તાજેતરમાં લેવાયેલી ભરતીમાં પણ તેની ફિઝિકલ પરીક્ષા રાજકોટમાં યોજાઈ હતી, જેમાં તે ફેલ થઈ હતી.

પૂનમ એક કે બે માર્કસ માટે પાસ ન થઈ શકી હોવાનું તેના ધ્યાને આવતા તે માનસિક રીતે ભાંગી પડી હતી. ​યુવતીને મનમાં એ વાત સતત ખૂંચતી હતી કે, આટલી મહેનત કરવા છતાં તે લક્ષ્ય સુધી પહોંચી શકી નથી. આ બાબતે પૂનમ સતત ચિંતામાં રહેતી હતી. અંતે, મનની પીડા સહન ન થતા તેણે 26 ફેબ્રુઆરીના રોજ આત્મઘાતી નિર્ણય લઈ ઘરે કોઈ ન હતું ત્યારે પંખા સાથે દુપટા વડે લટકીને આપઘાત કરી લીધો હતો.

​આ ઘટનાની જાણ થતા જ દવાખાના પોલીસ ચોકી જૂનાગઢના એ.એસ.આઈ. પી.એલ. કરંગીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ જૂનાગઢ તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ. ડી.એન. ચાચીયા અને એ.એસ.આઈ. એસ.આર. વાછાણીએ સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.