Gujarat

જામનગરમાં બિલ્ડરના 28 વર્ષીય પુત્રનું સાઈટ પરથી પડી મોત

જામનગરમાં કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા બિલ્ડર નિલેશભાઈ દતાણીના 28 વર્ષીય પુત્ર ભવ્ય દતાણીનું મૃત્યુ થયું છે. શહેરના ત્રિમંદિર પાસે ચાલી રહેલી એક બિલ્ડિંગની સાઈટ પર સાતમા માળેથી પટકાવાને કારણે તેમનું નિધન થયું હતું. આ ઘટનાને પગલે શહેરમાં અને ખાસ કરીને લોહાણા સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભવ્ય દતાણી શહેરના ત્રિમંદિર નજીક આવેલી તેમની કન્સ્ટ્રક્શન સાઈટ પર ગયા હતા. તેઓ બિલ્ડિંગના સાતમા માળે કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સ્લેબ પરથી તેમનો પગ લપસી ગયો હતો, જેના કારણે તેઓ સાતમા માળેથી નીચે પટકાયા હતા.

અકસ્માત બાદ ગંભીર હાલતમાં ભવ્યને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલ ખાતે લોહાણા સમાજના અગ્રણીઓ, બિલ્ડર એસોસિએશનના સભ્યો અને મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. માત્ર 28 વર્ષની નાની ઉંમરે ભવ્ય દતાણીના આકસ્મિક નિધનથી દતાણી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.