ગાંધીનગરમાં ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ઇવી પોલિસીને પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવો ઘાટ થયો છે. આ પોલિસી હેઠળ શહેરમાં 15 સ્થળોએ ઇવી ચાર્જીંગ સ્ટેશનો અને બેટરી સ્વાઇપીંગ સ્ટેશન ઉભા કરવા માટે ટેન્ડર આપવામાં આવ્યાના બે વર્ષ બાદ પણ આ મામલે કોઇ પ્રગતિ થઇ નથી. હાલ આ સમગ્ર પ્રોજેક્ટ ડખામાં પડ્યો છે.
ઉંચા ભાવ ભરીને ટેન્ડર લેનાર એજન્સી ચાર સ્ટેશનો બનાવ્યા બાદ કામગીરી અધૂરી છોડીને પલાયન થઇ ગઇ છે. જે ચાર સ્ટેશનો શરૂ કરાયા હતા એ પણ હાલમાં બંધ છે એજન્સી દ્વારા કોઇ પ્રતિભાવ નહીં મળતા આખરે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરની શરતોના ભંગ બદલ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરીને એચ-2 ટેન્ડર ભરનાર અદાણી ટોટલ એનર્જીસ ઇમોબિલિટી કંપનીને શહેરમાં કુલ 15 ઇ- ચાર્જિંગ સ્ટેશનોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની કામગીરી સોંપવા કવાયત હાથ ધરવામાં આવી છે.
શહેરમાં ઇવી ચાર્જિંગ સ્ટેશનનું માળખુ તૈયાર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયાના અંતે માર્ચ 2024માં NCELL EMOBILITY કંપનીને પ્રથમ તબક્કે 5 સ્થળોએ ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.
જેના પગલે આ કંપની દ્વારા સેક્ટર-21માં 2, સેક્ટર-11 પાર્કિંગમાં એક અને સેક્ટર-6 અપના બજાર પાસે એક એમ કુલ ચાર ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા હતા. એક ચાર્જીંગ સ્ટેશન બાકી રહ્યું હતું. તે પછી મે 2025માં નવા 10 ચાર્જિંગ સ્ટેશન માટે વર્ક ઓર્ડર અપાયો હતો. પરંતુ કંપનીએ આ કામગીરી કરી ન હતી.

