ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ નજીક આવેલો પુલ હાલ ગંભીર સ્થિતિમાં છે. દહેજ-ગંધાર જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારોને જોડતો આ મહત્વનો પુલ વર્ષોના ઉપયોગથી અત્યંત જર્જરિત બન્યો છે. તેને તૂટી પડતો અટકાવવા માટે નીચે લોખંડના સળિયા અને એંગલનો કામચલાઉ ટેકો આપવામાં આવ્યો છે. આ પુલ પરથી દિવસ-રાત 40 થી 50ટન વજન ધરાવતા ભારદારી ટ્રકો અને ડમ્પરો પસાર થઈ રહ્યા છે. આ સ્થિતિ કોઈપણ સમયે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે, કારણ કે પુલની ક્ષમતા કરતાં અનેકગણા વધુ વજનવાળા વાહનો પસાર થાય છે.

સરકારી નિયમો અનુસાર, આ પુલ પરથી 20ટનથી વધુ વજનના વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે અને તે અંગેના સૂચના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. જોકે, વાસ્તવમાં આ નિયમોનું પાલન થતું નથી. આમોદ-દહેજ માર્ગ પર સ્થિત હોવાથી હજારોની સંખ્યામાં મીઠાના ટ્રકો સહિત ભારે વાહનો આ જોખમી પુલ પરથી પસાર થાય છે. યોગ્ય ચેતવણી વ્યવસ્થા અને સ્પષ્ટ સાઈન બોર્ડના અભાવે બહારગામથી આવતા વાહનચાલકો અજાણતાં જ જોખમી પુલ પરથી પસાર થાય છે.

આ મુદ્દે સ્થાનિકોમાં લાંબા સમયથી રોષ જોવા મળી રહ્યો છે. આશરે છ મહિના પહેલાં ચાંચવેલ ગામના સરપંચે સ્થળ મુલાકાત લઈ પુલની ભયજનક સ્થિતિ અંગે તંત્રને ચેતવણી આપી હતી. તેમણે ભારદારી વાહનો રોકવા હાઈટ ગેજ લગાવવા અને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી હતી, પરંતુ આ સૂચનો પર કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ, આ જર્જરિત પુલની બાજુમાં બની રહેલો નવો બ્રિજ પણ ધીમી ગતિએ ચાલી રહ્યો છે અને હજુ અધૂરો છે. આના કારણે જૂના અને જોખમી પુલ પરનો ભાર યથાવત રહ્યો છે.

