Gujarat

દારૂની ૯૦ હજાર બોટલ પર બુલડોઝર ફેરવી દેવાયું

મહેસાણામાં બે વર્ષમાં ઝડપાયેલા ૩ કરોડના દારૂનો નાશ

મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન અલગ-અલગ દરોડામાં ઝડપી પાડેલા વિદેશી દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. મહેસાણા બાયપાસ હાઇવે નજીક આયોજિત આ કામગીરીમાં હજારો બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા દારૂની નદીઓ વહી હતી.

મહેસાણા તાલુકા, મહેસાણા એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત બે વર્ષમાં અંદાજે ૯૦,૦૦૦થી વધુ વિદેશી દારૂની નાની-મોટી બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ જથ્થાની બજાર કિંમત અંદાજે ૩ કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ મુદ્દામાલનો નિકાલ કરવા માટે તંત્ર દ્વારા મહેસાણા બાયપાસ હાઇવે પર વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહી પ્રાંત અધિકારી ઉર્વીશ વાળંદ, ડીવાયએસપી મિલાપ પટેલ તેમજ સ્થાનિક પીઆઇ સહિતના પોલીસ કાફલાની કડક દેખરેખ હેઠળ યોજાઈ હતી. રોડ પર ગોઠવવામાં આવેલી હજારો બોટલો પર બુલડોઝર ફેરવી તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. દારૂના જથ્થાનો નાશ કર્યા બાદ પર્યાવરણ અને સલામતીને ધ્યાને રાખી બાજુમાં જ ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં આ તમામ કાચ અને પ્રવાહીને દાટી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.