Gujarat

જામનગરના હાપામાં મસાલાની ફેક્ટરીમાં આગ લાગતા, લાખો રૂપિયાનું મરચું બળીને ખાખ

જામનગરના હાપા વિસ્તારમાં આવેલી ‘મધુસુદન મસાલા‘ની ફેક્ટરીમાં આજે અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાં મસાલા અને ખાસ કરીને મરચાનો મોટો જથ્થો હોવાથી આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

અચાનક લાગેલી ભીષણ આગ ના કારણે ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

મીડિયા સુત્રો ટકી મળતી માહિતી અનુસાર, જામનગરના વેપારી હિરેનભાઈ કોટેચા વગેરેની માલિકીની હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એક ફેક્ટરીમાં બહારના ભાગમાં આશરે ૩૫ ટન જેટલો સુકા મરચાનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જ્યાં કોઈપણ રીતે આગ લાગી હતી. જે આગ જાેતજાેતામાં ફેલાઈ ગઈ હતી, અને મરચાનો વિશાળ જથ્થો સળગી ઊઠતાં ધુમાડાના ગોટે ગોટા જાેવા મળ્યા હતા, તેમ જ ખૂબ જ આંખોમાં બળતરા થાય તે પ્રકારનું વાતાવરણ બની ગયું હતું.

આગના આ બનાવ અંગેની ફાયર વિભાગને જાણ કરાતાં ફાયર જવાનોને ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અલગ-અલગ ત્રણ ફાયર ટેન્ડરની મદદથી આખરે સવા કલાકની જહેમત લઈને આગને કાબુમાં લઈ લીધી હતી. મરચામાં આગ લાગી હોવાથી તેનો ધુમાડો નીકળ્યો હતો અને આંખો બળે તેવી પરિસ્થિતિ હોવાથી ફાયર વિભાગના સ્ટાફે ખાસ પ્રકારના ડ્રેસ પહેરીને કામગીરી કરવી પડી હતી. સમયસર આગ કાબૂમાં આવી ગઈ હોવાથી કારખાનાની અંદરની મશીનરી વગેરેનો બચાવ થયો હતો. આગની આ ઘટનાને લઈને કારખાનેદારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને આશરે ૩૫ ટન જેટલો મરચાનો જથ્થો ભશ્મીભૂત થયો છે. જેની સર્વેની કામગીરી ચાલી રહી છે.