Gujarat

ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન ગેસ લાઈન ફાટતા આગ લાગી

સુરત જિલ્લાના બારડોલી શહેરના રાધા બાગ વિસ્તારમાં આજે ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન ગેસ લાઈન ફાટતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. માહિતી મળતા જ બારડોલી ફાયર વિભાગ, પોલીસ અને ગેસ એજન્સીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, રાધા બાગ પાસે છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. આજે ખોદકામ દરમિયાન જેસીબી કે અન્ય મશીનરી અંડરગ્રાઉન્ડ ગેસ લાઈનને વાગતા તેમાં મોટું ભંગાણ પડ્યું હતું. ગેસના ઊંચા દબાણને કારણે ઘર્ષણ થતા જોતજોતામાં ત્યાં આગ ભભૂકી ઉઠી હતી, જેની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી.

ઘટનાની ગંભીરતા જોતા બારડોલી ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. બીજી તરફ, ગેસ એજન્સીના ટેકનિશિયનોએ તાત્કાલિક ગેસ સપ્લાય બંધ કરી દીધો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. બારડોલી પોલીસે પણ ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષાના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કર્યો હતો.

ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધા બાદ, ગેસ એજન્સી દ્વારા લાઈન રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ડ્રેનેજની કામગીરીમાં સાવચેતીના અભાવે આવી ઘટનાઓ બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.