Gujarat

સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, રન-વે પર ઈન્ડિગોની ફ્લાઇટ સાથે શિયાળ અથડાયું

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગત બુધવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. હૈદરાબાદથી સુરત આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ જ્યારે રન-વે પર ઉતરાણ કરી રહી હતી ત્યારે અચાનક એક શિયાળ વિમાન સાથે અથડાયું હતું. લેન્ડિંગની ગતિ દરમિયાન થયેલી આ ટક્કરથી પ્લેનમાં જોરદાર ઝાટકો અનુભવાયો હતો, જેના કારણે ફ્લાઇટમાં સવાર 150થી વધુ પેસેન્જરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, પાયલોટની સમયસૂચકતા અને કુશળતાને કારણે વિમાનને સુરક્ષિત રીતે એપ્રન સુધી લાવી શકાયું હતું.

બુધવારની સવારે હૈદરાબાદથી સુરત પહોંચેલી ઈન્ડિગોની ફ્લાઇટ તેના નિર્ધારિત સમયે લેન્ડિંગ કરી રહી હતી. ફ્લાઇટના ટાયર રન-વેને સ્પર્શ્યા, તે જ સમયે રન-વે પર દોડી આવેલા એક શિયાળ સાથે વિમાનની ટક્કર થઈ હતી. વિમાન તે સમયે હાઈ સ્પીડમાં હોવાથી મુસાફરોને એકાએક જોરદાર ધ્રુજારી અને અવાજ સંભળાયો હતો. પ્લેનમાં બેઠેલા લોકોમાં ક્ષણભર માટે ગભરાટ ફેલાઈ ગયો હતો, પરંતુ પાયલોટે પરિસ્થિતિ પર કાબૂ મેળવી પ્લેનને સ્થિર કર્યું અને તમામ મુસાફરોને હેમખેમ નીચે ઉતાર્યા હતા.

એન્જિનિયર્સ દ્વારા સઘન ચેકિંગ અને રિપોર્ટ આ ઘટના બાદ તરત જ એરપોર્ટના ટેકનિકલ એન્જિનિયર્સની ટીમ એક્શનમાં આવી હતી. વિમાનના એન્જિન અને બોડીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં વિમાનના એન્જિન કે મુખ્ય બોડીને કોઈ ગંભીર નુકસાન થયું ન હોવાનું સામે આવ્યું છે, જે મોટી રાહતની વાત છે. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી. એરપોર્ટ ઓથોરિટીએ પુષ્ટિ કરી છે કે પ્લેન હવે ટેકનિકલ રીતે ઓપરેશન માટે સંપૂર્ણ સુરક્ષિત છે.