ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પૂર્વ સાંસદ અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણય બદલ ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમનું આયોજન કરવાનો હતો.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 ના બજેટમાં એસ.સી. અને એસ.ટી. સમાજના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખથી વધારીને સીધી 6 લાખ કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે આ યોજનામાં નાણાકીય જોગવાઈઓ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ ગુજરાત સરકારે પોતાના જનરલ બજેટમાં આ આર્થિક ભાર વહન કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સરળતા રહેશે અને ભાવી પેઢીને મોટો આર્થિક ટેકો મળશે.

ડૉ. કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિનો કાર્યકર્તા પક્ષની ‘રીડ કી હડ્ડી’ સમાન છે. સમાજ હંમેશા ઉપકાર માનનારો રહ્યો છે, તેથી આ ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જાહેર લોક અભિવાદન કરવા માટે ગાંધીનગર ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બેઠકમાં વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે.
આ બેઠકની શરૂઆતમાં રાજ્યના દરેક જિલ્લામાં નવા નિમાયેલ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગૌતમ ગેડિયા, પૂર્વ મંત્રી અને ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર, પૂર્વ મંત્રી પ્રદીપભાઈ પરમાર, ગિરીશભાઈ પરમાર તેમજ મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ અને દેવેન વર્મા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

