જૂનાગઢ શહેરમાં ગુનાખોરી ડામવા અને ગેરકાયદેસર હથિયારો પકડવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન SOG ને મોટી સફળતા મળી છે. એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી મેડિકલ કોલેજની પાછળથી એક શખ્સને દેશી તમંચા અને જીવતા કાર્તૂસ સાથે દબોચી લેવામાં આવ્યો છે.

જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા SOG પીઆઈ આર.કે. પરમાર અને પીએસઆઈ ડી.કે. સરવૈયાની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન હેડ કોન્સેબલ મેણસીભાઈ અખેડ અને કોન્સેબલ રોહિતભાઈ ધાધલને ચોક્કસ બાતમી મળી હતી કે, રસીયાદખાન નાસીરખાન યુસુફજઈ નામનો શખ્સ હથિયાર સાથે મેડિકલ કોલેજની પાછળ આંબાવાડી વિસ્તારમાં ફરી રહ્યો છે
બાતમીવાળા સ્થળે પોલીસે વોચ ગોઠવી રસીયાદખાનને અટકાવી તેની તપાસ કરતા, તેની પાસે રહેલી પીળા કલરની થેલીમાંથી રૂ. 10,000ની કિંમતનો એક દેશી હાથ બનાવટનો તમંચો અને રૂ. 300ની કિંમતના 3 નંગ જીવતા કાર્તૂસ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 10,300નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ એ. ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

