Gujarat

મસીતીયા ગામેથી એક શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો

જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મસીતીયા ગામેથી એક શખ્સને ગેરકાયદેસર દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ LCB ટીમ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા કાર્યરત હતી. પી.એસ.આઈ. એમ.વી.ભાટીયા અને તેમની ટીમને બાતમીદારો દ્વારા સચોટ માહિતી મળી હતી. LCB સ્ટાફના કિશોરભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, ધમેન્દ્રસિંહ જાડેજા અને ઘનશ્યામભાઈ ડેરવાળીયાને મળેલી સંયુક્ત હકીકતના આધારે મસીતીયા ગામે દરગાહ પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

આ વોચ દરમિયાન બસીરભાઈ ઉર્ફે બસલો સિદીકભાઈ જુસબભાઈ મેકાણી (રહે. મસીતીયા ગામ, કમરૂદીન નગર) નામના શખ્સને ₹૧૦,૦૦૦ ની કિંમતના લાયસન્સ વગરના દેશી તમંચા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ હથિયાર મધ્યપ્રદેશના દતીયા જિલ્લાના મનોજ નામના શખ્સ પાસેથી મેળવ્યું હોવાનું કબૂલ્યું હતું. પોલીસે હવે મનોજને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે અને તેના ચક્રો ગતિમાન કર્યા છે.