Gujarat

ચોટીલામાં નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

ચોટીલાના સર્વાંગી વિકાસ માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી અધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘આપણું ચોટીલા – સ્વચ્છ, સ્વસ્થ અને સુશિક્ષિત’ બને તેવા લક્ષ્યાંક સાથે યોજાયેલી આ બેઠકમાં શિક્ષણ, આરોગ્ય અને સફાઈ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

શિક્ષણ ક્ષેત્રે, વિદ્યાર્થીઓ IIM, IIT અને ISRO જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સુધી પહોંચી શકે તે માટે સેમિનારો યોજવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી. આરોગ્ય અને સલામતીના ભાગરૂપે, શાળાઓમાં નિયમિત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવા અને ફાયર સેફ્ટી અંગે તાલીમ આપવાનું આયોજન કરવા સૂચના અપાઈ હતી.

ચોટીલાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેક્શન પર ભાર મૂકવા અને જાહેર રસ્તાઓની નિયમિત સફાઈ કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે ઇમાનદારી અને સામાજિક મૂલ્યોનું સિંચન કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.