Gujarat

દાહોદમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરી ગળું દબાવતા મૃત્યુ નીપજ્યું હતું

13 વર્ષીય સગીરા સાથે રેપ બાદ તેની હત્યાના મામલે આરોપી મુકેશ ચમકાને આજીવન કેદની સજાને હાઇકોર્ટે યથાવત રાખી છે. આ મામલે આરોપી દ્વારા વર્ષ 2014માં દાહોદની ટ્રાયલ કોર્ટે આપેલા આજીવન કેદના ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જે અપીલ હાઇકોર્ટે ફગાવી કાઢી હતી.

ફરિયાદ પક્ષે વાજબી શંકાની બહાર આરોપીના દોષને સાબિત કર્યો હાઈકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, આ કેસમાં એકંદરે વિચારણા કરતાં એવું જાણવા મળ્યું છે કે સાંયોગિક પુરાવાઓની સાંકળ સંપૂર્ણ અને અખંડ છે. જે સ્પષ્ટપણે અપીલકર્તાના અપરાધ તરફ નિર્દેશ કરે છે. જેને ફરિયાદી અને છેલ્લે જોનારા સાક્ષી, FIR, તબીબી પુરાવા, FSL રિપોર્ટ્સ અને અપીલકર્તાના ગુના પછીના વર્તન સહિત મુખ્ય સાક્ષીઓની સુસંગત જુબાનીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ફરિયાદ પક્ષના કેસને નબળી પાડતી કોઈ વિરોધાભાસી કે વિસંગતતા ભરેલી સામગ્રી મળી આવી નથી. ફરિયાદ પક્ષે વાજબી શંકાની બહાર આરોપીના દોષને સાબિત કર્યો છે. તેથી અપીલમાં કોઈ દખલગીરી કરવાની જરૂર નથી.

આરોપીએ આચરેલી ક્રૂરતાથી તેના બદ ઈરાદો સ્પષ્ટ આ મામલે હાઈકોર્ટે IPCની કલમ 376 અને 302 હેઠળના ગુના માટે આરોપી પર લાદવામાં આવેલી સજા અને આજીવન કેદની સજાને બહાલી આપી છે. સાથે જ દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે. હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે હુમલાની ક્રૂરતા અને દુષ્કર્મ પછી ગળું દબાવવાના કૃત્યથી સ્પષ્ટપણે હત્યાનો ઈરાદો અથવા ઓછામાં ઓછું મૃત્યુ સંભવિત પરિણામ હોવાનું કોર્ટને જાણવા મળ્યું છે. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આરોપીની અપીલ ફગાવી દેતા અવલોકન કર્યું હતું કે આરોપીએ આચરેલી ક્રૂરતાથી તેના બદ ઈરાદો સ્પષ્ટ થાય છે.