ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોર વિરુદ્ધ ગંભીર ગુનાની ફરિયાદ નોંધાઈ છે. ભાયાવદરમાં રહેતા અને ડેરીનો વ્યવસાય કરતા 66 વર્ષીય રતીલાલ હીરાભાઈ પરમારે વ્યાજે પૈસા આપવાનું કામ કરતા નીલેશભાઈ નાનાલાલ મકવાણા (દરજી) સામે આ ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2011 માં રતીલાલભાઈને ધંધા માટે રૂપિયાની જરૂર પડતા તેમણે નીલેશભાઈ પાસેથી માસિક 3 ટકાના વ્યાજે રૂ. 90,000 લીધા હતા. જેના બદલામાં તેમણે શરૂઆતમાં 9 તોલા સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા. રતીલાલભાઈએ ત્રણ મહિના સુધી વ્યાજ પેટે આશરે રૂ. 8100 ચૂકવ્યા હતા, પરંતુ ચોથા મહિને તેઓ વ્યાજ ભરી શક્યા ન હતા.
આથી આરોપીએ તેમના ઘરે જઈને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી અને ઘરમાંથી વધુ સાડા નવ તોલા સોનાના દાગીના બળજબરીથી પડાવી લીધા હતા. સમય જતાં રતીલાલભાઈએ મુદ્દલ રકમમાંથી રૂ. 40,000 જમા કરાવ્યા હતા. જ્યારે તેઓ બાકીના રૂ. 50,000 ચૂકવીને પોતાનું કુલ સાડા અઢાર તોલા સોનું પરત લેવા ગયા, ત્યારે આરોપીએ બહાના કાઢીને તે દાગીના અન્ય લોકોને ગીરવે આપી દીધા હોવાનું જણાવ્યું હતું.

