Gujarat

હાપા યાર્ડમાં અત્યાધુનિક વેગન શેડ તૈયાર – રૂ. 45.41 કરોડના ખર્ચે બન્યો

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત જામનગરના હાપા યાર્ડમાં માલગાડીના વેગનની જાળવણી માટે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ. 45.41 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ શેડથી દરરોજ 5 વેગનની મરામત ક્ષમતા વધશે અને માલસામાનનું પરિવહન વધુ ઝડપી બનશે.

આ પ્રોજેક્ટ ગતિ શક્તિ યુનિટ, રાજકોટ દ્વારા વિક્રમી સમયમાં પૂર્ણ કરવામાં આવ્યો છે. મુખ્ય વહીવટી અધિકારી (રોડ સેફ્ટી, ચર્ચગેટ) અમિત મનુવાલના માર્ગદર્શન અને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના દિશાનિર્દેશ હેઠળ મુખ્ય પ્રોજેક્ટ મેનેજર (ગતિ શક્તિ, રાજકોટ) સુધીર દુબે અને તેમની ટીમે આ કાર્ય પાર પાડ્યું છે. વર્તમાનમાં, માત્ર દોઢ વર્ષના વિક્રમી સમયમાં આ પ્રોજેક્ટનું લગભગ 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

આ નવી સુવિધા શરૂ થવાથી બી.ટી.એન.પી., બી.સી.એન., બી.ટી.પી.એલ.એન. સહિત વિવિધ પ્રકારના માલવાહક વેગનનું નિરીક્ષણ, મરામત અને જાળવણીનું કામ હવે વધુ ઝડપી, સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે થઈ શકશે. આનાથી રેલવેની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે.

નવા વેગન શેડનું કદ 172 મીટર × 25 મીટર છે અને તેની મહત્તમ ઊંચાઈ 16.5 મીટર છે. તેમાં ટ્રસ વગરની સ્વ-સમર્થિત હળવા વજનની પ્રોફ્લેક્સ રૂફ શીટ લગાવવામાં આવી છે. શેડની અંદર વેગનની જાળવણી માટે ત્રણ રેલવે ટ્રેક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને ભારે સાધનોના ઉપયોગ દરમિયાન ફ્લોરિંગને સુરક્ષિત રાખવા માટે હાર્ડોનાઈટ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે.