Gujarat

જામનગરમાં કાયદો વ્યવસ્થા જાળવવા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ

ગુજરાતમાં તાજેતરમાં થયેલી ૩૭ આઈપીએસ અધિકારીઓની બદલીમાં નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચાર્જ સંભાળતાની સાથે જ આઈજી નિર્લિપ્ત રાય સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે. તેમના નિર્દેશથી જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવા માટે “ટ્રાફિક ડ્રાઇવ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આઈજી નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા બાદ રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુજ્જર, સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, મોરબીના પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ અને દેવભૂમિ-દ્વારકાના પોલીસ અધિક્ષક જયવીરસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરીને પાંચેય જિલ્લાઓમાં ગુના નિયંત્રણ, દરિયાકાંઠાની સુરક્ષા, ઔદ્યોગિક વિસ્તારોમાં શાંતિ જાળવવા અને કર્મચારીઓને ફરજ પ્રત્યે નિષ્ઠા રાખવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

આઈજી નિર્લિપ્ત રાયની સૂચનાના પગલે જામનગર શહેર અને જિલ્લામાં યોજાયેલી “ટ્રાફિક ડ્રાઇવ” દરમિયાન વિવિધ નિયમભંગ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં નંબર પ્લેટ વગરના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાવનારા, ફેન્સી નંબર પ્લેટનો ઉપયોગ કરનારા, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કિસ્સાઓ અને વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકોનો સમાવેશ થાય છે.