જામનગરમાં આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ આજે ‘પરિવર્તન લાવો, ખેડૂત બચાવો’ યાત્રા અંતર્ગત પહોંચ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય હેમંતભાઈ ખવા સહિતના અગ્રણીઓએ તળાવની પાળ સ્થિત વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરમાં ચાલી રહેલી અખંડ રામધૂનમાં ભાગ લીધો હતો. આ યાત્રાનો મુખ્ય હેતુ ખેડૂતોના પડતર પ્રશ્નો ઉઠાવવાનો અને રાજકીય પરિવર્તન લાવવાનો છે.

ઈશુદાન ગઢવી, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, ખેડૂત સંગઠનના પ્રમુખ પ્રવીણભાઈ રામ અને જામનગર શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાની હેઠળ AAP નેતાઓએ બાલા હનુમાનજી મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓએ ‘શ્રી રામ જય રામ જય જય રામ’ ની ધૂન બોલાવી હતી. ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની જીત એ પ્રામાણિકતા અને ધર્મનો વિજય છે.

ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ઇશુદાન ગઢવીએ સ્માર્ટ મીટરને ‘લૂંટ મીટર’ ગણાવ્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે જનતાના વિરોધને કારણે હાલ સ્માર્ટ મીટરનું કામ અટકાવી દેવાયું છે, પરંતુ જો જનતા ફરીથી ભાજપને મત આપશે તો પોલીસ બંદોબસ્ત સાથે ઘરે-ઘરે આ મીટર ફરજિયાત લગાડવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે આગામી 3 તારીખે અરવિંદ કેજરીવાલના સમર્થનમાં ‘આપ’ ના હજારો કાર્યકરો પોતપોતાના ઘરે હનુમાન ચાલીસાના પાઠ કરશે.

