Gujarat

મોરબી હત્યા કેસમાં ફર્લો રજા પરથી ફરાર આરોપી સુરતથી પકડાયો

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા મેળવીને બહાર આવ્યા બાદ નિયત સમયે હાજર ન થઈ ફરાર થઈ ગયેલા ખૂની આરોપી જાબીર સિદ્દીકભાઈ પિલુડીયા (ઉં.વ. 28)ને સુરતના પુણા પાટીયા વિસ્તારમાંથી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, મોરબીનો આ રીઢો ગુનેગાર પોતાની ઓળખ છુપાવીને સુરતમાં વસવાટ કરવાની પેરવીમાં છે.

આરોપીએ 2020માં યુવકની હત્યા કરી હતી આ કેસની વિગત એવી છે કે, આરોપી જાબીર પિલુડીયા મૂળ મોરબીનો રહેવાસી છે. 2020માં તેણે મોરબીના ઘાંચી શેરી વિસ્તારમાં નજીવી બાબતે એક યુવકની ઘાતકી હત્યા કરી હતી. મોટરસાઈકલ પાર્ક કરવા જેવી ક્ષુલ્લક બાબતે પડોશમાં રહેતા અનીશભાઈ સાથે તેનો ઝઘડો થયો હતો.

આવેશમાં આવીને જાબીરે પોતાની પાસેના ચાકુ વડે અનીશભાઈ પર આડેધડ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ કેસમાં મોરબી સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા જોતા 8 ઓગસ્ટ, 2025ના રોજ આરોપીને આજીવન કેદની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

જેલમાંથી ફર્લો રજા લીધી અને ફરાર થઈ ગયો રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા જાબીરે જેલના નિયમો મુજબ 12 જાન્યુઆરી, 2026ના રોજ 14 દિવસની ફર્લો રજા મેળવી હતી. રજા પૂર્ણ થતા તેણે 26 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાધીશો સમક્ષ હાજર થવાનું હતું, પરંતુ ગુનાહિત માનસ ધરાવતા જાબીરે ફરીથી મુક્ત હવામાં ફરવાના ઈરાદે જેલમાં હાજર થવાનું ટાળ્યું અને ફરાર થઈ ગયો. આ અંગે જેલ અધિક્ષકે પોલીસને જાણ કરી હતી, જેના આધારે રાજ્યભરમાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.