ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ટોલટેક્સ નજીક એક યુવતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં મેરુ વાઘેલાની ધરપકડ કરી છે. મૃતક યુવતીની ઓળખ પશ્ચિમ બંગાળની રૂકશાનાબેન ખાતુન તરીકે થઈ છે. તેમનો મૃતદેહ મોર્ડન સ્કૂલ પાછળના અવાવરૂ વિસ્તારમાંથી મળી આવ્યો હતો.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે મોડીરાત્રે આરોપી મેરુભાઈ વાઘેલા ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ગ્રાહકો બાબતે રૂકશાનાબેન સાથે થયેલી માથાકૂટ ઉગ્ર બનતા તેણે છરી વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ઇન્ચાર્જ પીએસઆઈ ચુડાસમાના જણાવ્યા અનુસાર, આરોપી યુવક પણ દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલો છે.

તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. અન્ય યુવતીઓના નિવેદન અને મોબાઈલ ફોનના આધારે તપાસ હાથ ધરી પોલીસે ધ્રાંગધ્રા શહેરના ધોળીધાર વિસ્તારમાંથી મેરુભાઈ વાઘેલાને ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ હત્યાના આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી ઘટનાનું પુનરાવર્તન કરાવી શકાય અને વધુ વિગતો મેળવી શકાય.

