પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં 3 વાઘનું આગમન થતાં દોઢ મહિના પછી પાર્કની રોનક વધી જશે. ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂની મુલાકાતે ગયેલી સુરતની ટીમને એક નર અને એક માદા વાઘની જોડી ભેટ મળી છે. આ ઉપરાંત 2 માદા વરૂ, 2 નર અને 3 માદા શિયાળ, 2 માદા બાર્કિંગ ડિયર તથા 1 નર અને 2 માદા ચોશિંગા પણ લવાયા છે. આ પ્રાણીઓના બદલામાં સુરતથી નંદન કાનન ઝૂને 3 નર અને 2 માદા જળબિલાડી, 1 નર અને 1 માદા સિલ્વર ફિશાઉલ, 10 કાચબા તથા 2 નર વરૂ અપાયાં હતાં.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓક્ટોબરમાં ઈન્દોરથી 1 નર વાઘ સુરત લવાયો હતો. આ સાથે પાર્કમાં ‘ક્રિષ્ણા’ વાઘ સહિત હવે વાઘની સંખ્યા 4 થઈ ગઈ છે, જ્યારે 2 વ્હાઇટ સાથે વાઘની કુલ સંખ્યા 6 થઈ છે. ત્રણેય નવા વાઘને સોમવારે સવારે 9થી 11 દરમિયાન ડિસ્પ્લે એરિયામાં માત્ર મીડિયા સમક્ષ મૂકાશે. જો કે, પ્રોટોકોલ અનુસાર 45 દિવસ ક્વોરન્ટાઈન રાખી કાયમી પ્રદર્શનમાં મુકાશે.

