પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલી યુદ્ધની સ્થિતિને પગલે ભારતની જળસીમા પર સંભવિત ખતરાઓને ટાળવા માટે ગુજરાત પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સ સજ્જ થઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી અસ્થિરતાના કારણે શંકાસ્પદ ગતિવિધિઓ અને ઘૂસણખોરી રોકવા માટે દરિયાઈ પટ્ટી પર સતત નજર રાખવામાં આવી રહી છે.
કચ્છ: સરહદી અને દરિયાઈ વિસ્તારોમાં હાઈ-એલર્ટ
કચ્છ જિલ્લો જે રણ અને દરિયો ધરાવતી આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો છે, ત્યાં સુરક્ષા એજન્સીઓને ‘એલર્ટ મોડ’ પર રાખવામાં આવી છે.
- સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ: મરીન કમાન્ડો દ્વારા આજે કોસા, લીમડીવાંઢ અને મોહાડી જેવા છેવાડાના દરિયાઈ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
- ભંગાર અને મિસાઈલનો ખતરો: વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે દરિયામાં થતાં વિસ્ફોટોને લીધે મિસાઈલો, શંકાસ્પદ બોટો કે જહાજોનો ભંગાર કચ્છના કિનારે તણાઈ આવવાની સંભાવના છે, જેના પર કડક વોચ રાખવામાં આવી રહી છે.
સુરક્ષા દળો દ્વારા સ્થાનિક માછીમારો અને સરહદી લોકોને યુદ્ધની ગંભીરતા અને શંકાસ્પદ વસ્તુઓ દેખાય તો તુરંત જાણ કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

