Gujarat

અમદાવાદના કાપડના વેપારી પર હુમલો

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલી તોરણ હોટલમાં આયોજિત એક લગ્ન પ્રસંગના રિસેપ્શનમાં અમદાવાદના કાપડના વેપારી પર અચાનક હુમલો થવાની ઘટના સામે આવી છે. કોઈપણ પ્રકારના જૂના ઝઘડા કે અદાવત વગર યુવકે વેપારીને લાફો મારી જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મૂળ વડનગરના વતની અને હાલ અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષીય કાપડના વેપારી કમલેશભાઈ છનાભાઈ પટેલ ગત ૯ ફેબ્રુઆરીના રોજ વડનગરની તોરણ હોટલમાં તેમના સંબંધીના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પરિવાર સાથે આવ્યા હતા.

રાત્રિના આશરે નવેક વાગ્યાના સુમારે જ્યારે તેઓ રિસેપ્શન પૂર્ણ કરી જમવા માટે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા હિરેનભાઈ ઉર્ફે પીન્ટુ વિષ્ણુભાઈ પટેલે તેમની પાસે આવીને ગાલ પર જાેરદાર લાફો મારી દીધો હતો.આ અચાનક થયેલા હુમલાને જાેઈ વેપારીના પુત્ર અને ભાઈએ વચ્ચે પડી તેમને વધુ મારથી છોડાવ્યા હતા. હુમલો કરનાર શખસે જતી વખતે ઉશ્કેરાઈને ધમકી આપી હતી કે, ‘આજે તો માત્ર લાફો માર્યો છે, પણ હવે પછી જ્યારે મળીશ ત્યારે જાનથી મારી નાખીશ‘. લગ્ન પ્રસંગમાં બનેલી આ ઘટનાથી વેપારી પરિવાર માનસિક આઘાતમાં સરી પડ્યો હતો. શરૂઆતમાં માનસિક અસ્વસ્થતાને કારણે માત્ર અરજી આપ્યા બાદ હવે વેપારીએ હિરેનભાઈ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.