એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ હવે એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. અકસ્માતમાં બચેલા અને ૨૩ ટકા દાઝી ગયેલા અજય પરમારે એરલાઈન્સ સામે વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની નબળી સ્થિતિનો ફાયદો ઉઠાવીને ‘ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ’ના દસ્તાવેજાે પર દબાણથી સહી કરાવવામાં આવી હતી. ૧૨ જૂનના રોજ થયેલી આ દુર્ઘટનાએ અનેક પરિવારોની જિંદગી બદલાવી નાખી હતી. આ ઘટનાના સમયે અજય પરમાર અતુલ્યમ વિસ્તારમાં જમવા જઈ રહ્યા હતા ત્યારે વિમાન તૂટી પડતાં તેમનું એક્ટિવા સળગી ગયું અને તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બે મહિના સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ હવે તેઓ એરલાઈન્સના વર્તનથી આઘાતમાં છે.
અજય પરમારનો આરોપ છે કે, જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા અને તેમની પાસે કોઈ વકીલ કે પરિવારજન હાજર નહોતા, ત્યારે એરલાઈન્સના અધિકારીઓએ કેટલાક દસ્તાવેજાે પર તેમની સહી કરાવી લીધી. તેમને કહેવામાં આવ્યું હતું કે, આ માત્ર એક્ટિવાના નુકસાન સંબંધિત કાગળો છે પરંતુ, હકીકતમાં તે કાયમી સેટલમેન્ટના દસ્તાવેજાે હતા. બદલામાં તેમને ૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. અજયનું કહેવું છે કે તેમને દસ્તાવેજાેમાં શું લખ્યું હતું તેની સંપૂર્ણ સમજ આપવામાં આવી નહોતી અને હવે તેઓ આ રકમ પરત આપીને કાયદેસરની લડત લડવા તૈયાર છે.
આ મામલે સલાહકાર આયુષ દુબેનું કહેવું છે કે, સહી કરાયેલા દસ્તાવેજાેના આધારે અજયના ભવિષ્યના કાનૂની હક્કો મર્યાદિત થઈ શકે છે. તેમના મુજબ, આ સેટલમેન્ટથી યુએસ અથવા ભારતની સંકળાયેલી કંપનીઓ જેમ કે બોઇંગ, જનરલ ઇલેક્ટ્રિક અને સફરન સામે કેસ કરવાની સંભાવનાઓ પણ અસરગ્રસ્ત થઈ શકે છે. આયુષના મતે, સ્થાનિક ભાષામાં સ્પષ્ટ સમજાવટ કર્યા વગર અને વકીલની ગેરહાજરીમાં સહી કરાવવી કાયદાકીય રીતે પ્રશ્નાર્થ છે, ખાસ કરીને જ્યારે તપાસ હજુ ચાલુ છે અને મેડિકલ સારવાર પૂર્ણ થઈ નથી. દસ્તાવેજાેમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે કે, એરલાઈન્સ ભવિષ્યના મેડિકલ ખર્ચ માટે જવાબદાર નહીં રહે. આ અકસ્માતે અજયના વ્યક્તિગત જીવન પર પણ ગંભીર અસર પાડી છે.
દુર્ઘટનાના માત્ર એક મહિના પહેલાં જ તેમના લગ્ન થયા હતા પરંતુ, આ ઘટના બાદ તેમની પત્ની તેમને છોડીને ચાલી ગઈ હોવાનું તેઓ જણાવે છે. શારીરિક અક્ષમતા અને દાઝેલા નિશાનોને કારણે રોજગારી મેળવવામાં પણ તેમને મુશ્કેલીઓ પડી રહી છે. હાલ આ સમગ્ર મામલે એરલાઈન્સ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી પરંતુ, પીડિત અને તેમના સલાહકાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ આ કેસ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

