Gujarat

જામનગર કલેક્ટર કેતન ઠક્કરને વાયુસેનાનો ‘કોમેન્ડેશન’ મેડલ

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરને ભારતીય વાયુસેના દ્વારા પ્રતિષ્ઠિત ‘કોમેન્ડેશન-Commendation’ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓના હસ્તે આ મેડલ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરાયા હતા. કલેક્ટર ઠક્કરની વહીવટી કુશળતા અને શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં લઈને આ સન્માન અપાયું છે. તેમણે જામનગર એરફોર્સ બેઝ, જે દેશનો વ્યૂહાત્મક રીતે મહત્વનો બેઝ છે, ત્યાં સિવિલ એડમિનિસ્ટ્રેશન અને વાયુસેના વચ્ચે મજબૂત કડી તરીકે કાર્ય કર્યું છે.

ખાસ કરીને, આપત્તિ વ્યવસ્થાપન, વાવાઝોડા કે પૂર જેવી કુદરતી આફતો દરમિયાન વાયુસેનાના બચાવ કાર્યોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયસર મદદ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, સંરક્ષણ ક્ષેત્રના પ્રોજેક્ટ્સમાં આવતા વહીવટી અવરોધોનું નિવારણ અને સુરક્ષા સંબંધી બાબતોમાં તેમના સચોટ આયોજન બદલ તેમને આ મેડલ એનાયત કરાયો છે.