Gujarat

સુરતમાં દિવસે ને દિવસે મળતી બોમ્બની ધમકીઓ વચ્ચે સુરક્ષા માત્ર એક જ શ્વાનના ભરોસે

સુરત જેવા મેગા સિટીમાં જ્યાં 80 લાખ લોકો વસે છે, ત્યાં સુરક્ષાનો સમગ્ર દારોમદાર અત્યારે ‘ગેલોપ’ નામના એકમાત્ર સ્નિફર ડોગ પર આવી ગયો છે. વર્ષ 2008ના સીરિયલ બોમ્બ પ્લાન્ટિંગની ભયાનક યાદો હજુ તાજી છે, ત્યારે આખા શહેરને વિસ્ફોટકોથી સુરક્ષિત રાખવા માટે ગેલોપ રાત-દિવસ એક કરી રહ્યો છે.

આશ્ચર્યની વાત એ છે કે, ટેક્સટાઇલ અને ડાયમંડ હબ ગણાતા આ શહેરમાં બોમ્બ ડિટેક્શન માટે હાલ માત્ર ગેલોપ જ સજ્જ છે, જ્યારે એક ટ્રેનિંગમાં, નાર્કોટિક્સ માટે એક અને ટ્રેકર તરીકે એક ડોગનો સમાવેશ થાય છે. જે સુરક્ષા વ્યવસ્થાની ગંભીર સ્થિતિ દર્શાવે છે.

વર્ષ 2008માં સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 29 જેટલા જીવંત બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જે ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. હાલમાં પણ છેલ્લા ઘણા સમયથી સુરતની શાળાઓ અને સરકારી કચેરીઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. જોકે અત્યાર સુધી આ ધમકીઓ અફવા સાબિત થઈ છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ માટે આ સતત સતર્ક રહેવાનો સમય છે.

સુરત શહેરની વસ્તી અંદાજે 80 લાખથી વધુ છે અને આટલા વિશાળ જનસમુદાયની સુરક્ષા વ્યવસ્થા જાળવવી એ પોલીસ માટે પડકારજનક કાર્ય છે. બોમ્બ ડિસ્પોઝલ અને એક્સપ્લોઝિવ ડિટેક્શન માટે સુરત પોલીસ પાસે હાલમાં માત્ર બે ડોગ સ્નિફર તરીકે ઉપલબ્ધ છે. તેમાંથી પણ એક ડોગ છેલ્લા ત્રણ મહિનાથી એડવાન્સ ટ્રેનિંગ માટે બહાર મોકલવામાં આવ્યો છે. પરિણામે, સમગ્ર સુરત શહેરની એક્સપ્લોઝિવ શોધવાની જવાબદારી હાલમાં એકમાત્ર ‘ગેલોપ’ નામના શ્વાન પર આવી પડી છે, જે ચિંતાજનક બાબત કહી શકાય.