Gujarat

ગુજરાત-MP સરહદે વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે એક આરોપીને ઝડપી લીધો

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગુજરાત-મધ્યપ્રદેશ સરહદે કતવારા વિસ્તારમાંથી ₹36.74 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આઇસર ટ્રક અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દાહોદ જિલ્લો ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી બુટલેગરો દ્વારા ગેરકાયદેસર રીતે દારૂ ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે. આ પ્રવૃત્તિઓ અટકાવવા માટે દાહોદ LCB દ્વારા સતત સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લાવવા LCB ટીમને ખાસ કામગીરી સોંપવામાં આવી હતી.

આ સૂચનાના આધારે, LCBની ટીમોએ ગુજરાત-મધ્યપ્રદેશ સરહદી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારના ખંગેલા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન, મધ્યપ્રદેશ તરફથી ગોધરા તરફ જઈ રહેલો એક બંધ બોડી આઇસર ટ્રક (રજી. નં. MP09GH5071) શંકાસ્પદ જણાતા તેને અટકાવી તપાસ કરવામાં આવી.

ટ્રકની તપાસ કરતા, પ્લાસ્ટિકના કુલર ફ્રેમની આડમાં છુપાવવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો. LCB પોલીસે કુલ 271 પેટીઓમાંથી 7,188 બોટલ વિદેશી દારૂ અને બિયર ઝડપી પાડ્યા, જેની કિંમત ₹21,69,564 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ આઇસર ટ્રક (કિંમત ₹15,00,000), એક મોબાઇલ ફોન (₹5,000) અને અન્ય સામગ્રી સહિત કુલ ₹36,74,564નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.