Gujarat

સાબરમતી જેલના હાઈસિક્યુરિટી ઝોનમાં રખાયેલા કેદી પાસેથી આઈફોન મળ્યો

સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાક કામના કેદી અને કુખ્યાત ગુનેગાર વિશાલ ગોસ્વામી પાસેથી આઇફોન અને એક કીપેડ ફોન મળી આવ્યો છે.જ્વેલર્સ પર ફાયરિંગ અને ખંડણી જેવા ગંભીર ગુનાના કૂખે આરોપી પાસેથી મોબાઈલ મળી આવતા જેલ પ્રશાસન પર સવાલ ઉભા થયા છે. વિશાલ ગોસ્વામીને હાઈ સિક્યુરિટી જેલમાં રાખ્યો હોવા છતાં વિશાલ ગોસ્વામી પાસેથી ૨ ફોન અને એક સીમકાર્ડ મળી આવ્યું છે.આ અંગે રાણીપ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

સાબરમતી સેન્ટ્રલ જેલના ઇન્ચાર્જ જેલર મોહસીન ખાન પઠાણ જુની જેલમાં હાઈ સિક્યુરિટી વિભાગમાં તપાસ કરવા ગયા હતા ત્યારે ખોલી નંબર ૧માં વિશાલ ગોસ્વામીની ખોલી તપાસી હતી ત્યારે છતનો ભાગ તૂટેલી હાલતમાં હતો જેથી શંકા જતા ખોલી સીલ કરીને વિશાલ ગોસ્વામીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યો હતો.જે બાદ ઝડતી સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે છતના તૂટેલા ભાગમાંથી બાખું પડેલું હતું. બાખામાં તપાસ કરતા બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેમાં એક આઇફોન અને એક કીપેડ ફોન મળી આવ્યો હતો.આ ઉપરાંત ફૈં અને એરટેલ કંપનીનું સીમકાર્ડ પણ મળી આવ્યું હતું.તપાસ દરમિયાન મોબાઈલ,સીમકાર્ડ સહિત મેમરી કાર્ડ,ચાર્જર મળી આવ્યું હતું.આ તમામ વસ્તુઓ કબ્જે કરીને રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહત્વનું છે કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં એ પણ હાઈ સિક્યુરિટી બેરેકમાંથી કુખ્યાત ગુનેગાર પાસેથી મોબાઇલ મળી આવ્યા તેને લઈને જેલ પ્રશાસન પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.વિશાલ ગોસ્વામી પાસે મળી આવેલા ફોનમાંથી જેલ બહાર કોના કોના સંપર્કમાં હતો,મોબાઈલ ફોન પહોચાડવામાં જેલના કયા કર્મચારીએ મદદ કરી છે તે તમામ તપાસના વિષય છે. અગાઉ અતિક અહમદે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી બેઠા બેઠા હત્યા કરાવી હતી.આ ઉપરાંત જેલમાંથી ગાંજાે ઝડપાયો છે.જેલમાં આતંકીની પણ અન્ય કેદીઓએ આંખ ફોડી નાખી હતી.જેલમાંથી અનેક વખત મોબાઈલ ફોન મળી આવ્યા છે.આમ જેલ અનેક વિવાદમાં આવી ચૂકી છે ત્યારે કુખ્યાત ગુનેગાર પાસેથી ૨ મોબાઈલ ફોન મળી આવતા વધુ વિવાદ થયા છે.

ગુજરાતમાં ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલીવાર આ કાયદા હેઠળ વિશાલ ગોસ્વામી ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગના ચાર શખસની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ પાસેથી મોટીમાત્રામાં હથિયારો મળી આવ્યા હતા. શહેરમાં ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ સક્રિય થઈ હતી. ગોસ્વામી ગેંગ દ્વારા શહેરના મોટા વેપારીઓને ધમકી ભર્યા ફોન કરવામાં આવી રહ્યાં હતા અને ખંડણી માગવામાં આવી રહી હતી.